Abtak Media Google News

કાર ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે રૂ. ૧૦૦ કરોડના  છેતરપિંડીના ગુનામાં પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સોમવારે ભારતના અગ્રણી કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થતા પોલીસે દાવો કર્યો છે કે લગભગ ૧૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય કાર ફાઇનાન્સિંગ અને બનાવટી કૌભાંડના ગુન્હામાં દિલીપ છાબરીયાની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે છાબરિયાને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટે તેને ૨ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છાબરીયાની કંપની દિલીપ છાબરીયા ડિઝાઇન્સ પ્રા. લી.એ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૨૭ જેટલી કારનું ઉત્પાદન કર્યું છે જેનું વેચાણ ભારત સહિત વિદેશમાં કરવામાં આવ્યું છે. વેચાણ કરાયેલી ગાડીઓનું રજિસ્ટ્રેશન દેશના અલગ અલગ રાજ્યોમાં એકથી વધુ વખત કરાવવામાં આવ્યું છે.  અલગ અલગ રાજ્યોમાં કારનું રજિસ્ટ્રેશન કરાવી એક જ ગાડી પર વિવિધ નોન ફાઇનાન્સ કંપનીઓ પાસેથી છેતરપિંડી કરીને વિવિધ લોન લેવામાં આવી છે. આ છેતરપીંડીના ગુન્હામાં દિલીપની ધરપકડ કરવામાં આવી છે.

મદદનીશ પોલીસ ઇન્સ્પેકટર સચિન વાઝેના જણાવ્યા અનુસાર આરોપીએ તેની કંપનીના માધ્યમથી દરેક અવંતી કારનું રજિસ્ટ્રેશન વિવિધ રાજ્યોમાં કરીને પોતાની કંપનીને જ ગ્રાહક બનાવી એક એક ગાડી પર સરેરાશ રૂ. ૪૨ લાખની એક થી વધુ લોન લઈને છેતરપિંડી આચરી છે. જે બાદ આરોપી કારનું અન્ય રાજ્યમાં રજિસ્ટ્રેશન કરીને ત્રીજી વ્યક્તિને આ કાર વેચી મારતો હતો. આ પ્રકારના કિસ્સામાં એનબીએફસી દ્વારા મોટાભાગની લોનને એનપીએ જાહેર કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છાબરીયાએ બીએમડબ્લ્યુ ઇન્ડિયા ફાઇનાન્સ સર્વિસ સાથે આ પ્રકારે કુલ ૪૧ કાર પર લોન લેવામાં આવી છે જેમાંથી ૧૬ ગાડીઓ કોઈ પણ આરટીઓમાં નોંધાયેલી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.