ઓર્ગેનિકના નામે ચાલતા ડીંડક ભૂતકાળ બનશે!!

સરકારને અંતે સૂઝ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

ઓર્ગેનિકનું નામ સાંભળતા જ લોકો તેના તરફ વળે છે. પણ ઓર્ગેનિકના નામે મોટા ભાગના કિસ્સાઓમાં ડીંડક જ ચાલતા હોય, પણ હવે સરકારને અંતે સૂઝ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી હવે આ ડીંડક ભૂતકાળ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

નિરામય આરોગ્ય માટે શુદ્ધ ખોરાકની આવશ્યકતા હોય છે. ત્યારે હવે રસાયણિક ખતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર પકવવામાં આવતા શાકભાજી ફળફળાદી અને અનાજનું મહત્વ વધ્યું છે. ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ આવી છે અને લોકો પણ ઓર્ગેનિક ચીજવસ્તુઓ માટે કોઈપણ દામ ચૂકવવા તૈયાર થયા છે. આવા સંજોગોમાં ઓર્ગેનીકના નામે નકલી ઓર્ગેનિક વસ્તુઓ વેચવાનો પણ રાફડો ફાટયો છે. ત્યારે સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશભરમાં ઓર્ગેનિક ચીજવસ્તુઓ અને જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે તેવા ખેડૂતોની જમીન અને પેદાશમાં કોઈપણ પ્રકારની રાસાયણિક વસ્તુનો ઉપયોગ થયો નથી. તેનું પૃથ્થકરણ કરીને પ્રમાણપત્ર આપવાનું જેલ આયોજન કરવામાં આવ્યું છે.

તેનાથી ઓર્ગેનિક ખેતી કરનારા અને ઓર્ગેનિક ચીજવસ્તુઓ વાપરનારનો વિશ્વાસ વધશે સાથે સાથે ઓર્ગેનિકના નામે બિન ઓર્ગેનિક વસ્તુઓ વેચનારાઓની પાલી હવે નહીં ચાલે

હાલ રસાયણોની મદદથી બનાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓને આરોગવાને કારણે ગંભીર રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. જો કે આરોગ્ય ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. તો સામે ખાદ્ય વસ્તુઓ બાબતે આપણે સમય જતાં જતાં પછાત બની ગયા છીએ. ત્યારે ઓર્ગેનીક ખેતી તરફ વળવા ખૂબ પહેલ કરવામાં આવી રહી છે. પણ ઘણા લેભાગુઓ ઓર્ગેનિકના નામે રસાયણના ઉપયોગ વાળી ખાદ્ય વસ્તુઓ ધાબડે છે. પણ હવે તેઓની કરતૂતો બંધ થાય તેવા ઉજળા સંકેતો દેખાઈ રહ્યા છે.