દિવ્યાંગોની મુશ્કેલીઓ ઘટાડવામાં ડીસએબીલીટી સર્ટિફિકેટ સહાયરૂપ

  • દિવ્યાંગતા પ્રમાણપત્રના લાભોથી મનોદિવ્યાંગ દીકરા અર્હાનનું ભવિષ્ય ઉજળું બનાવી શકીશું : રેશમાબેન નોતીયાર
  • રાજકોટમાં પ્રથમવાર યોજાયેલી દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં રેશમાબેનની અરજીનો આવ્યો હકારાત્મક ઉકેલ

મારો દીકરો અર્હાન એક વર્ષનો હતો, ત્યારે તેને આંચકી આવતા તે મનોદિવ્યાંગ થઈ ગયો. હું અને મારા પતિ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવીએ છીએ. રોજનું રળીને બે ટંકનું ખાતા અમારે આર્થિક રીતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કઢાવવા જવું ન પોસાય. આવી કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમારી વ્હારે આવી છે.” આ શબ્દો છે મનોદિવ્યાંગ અર્હાનના માતા રેશમાબેન નોતીયારના. તેમણે ઉમેર્યું હતું કે “દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં રજૂઆત કરવાથી મારા દીકરાને સ્થળ પર જ દિવ્યાંગતા પ્રમાણપત્ર મળી ગયું છે. હવે અમે દિવ્યાંગોને અપાતી સાધન સહાય, શિષ્યવૃત્તિ, નિ:શુલ્ક તાલીમ તથા એસ.ટી. બસ અને રેલવેની મુસાફરીમાં આપવામાં આવતા લાભો સરળતાથી મેળવી અર્હાનનું ભવિષ્ય ઉજળું બનાવી શકીશું. આ માટે અમે સરકાર પ્રત્યે આભારની લાગણી અનુભવીએ છીએ.”

પારિવારિક જવાબદારી નિભાવવાની સાથે સ્વબળે આર્થિક રીતે પગભર રેશમાબેન નોતીયાર રાજકોટમાં પ્રથમ મહિલા ઈ-રીક્ષાચાલક છે, જેના માટે તેઓને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ બે દીકરીની સાથે મનોદિવ્યાંગ દીકરા અર્હાનને પ્રેમપૂર્વક ઉછેરે છે. દિવ્યાંગોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે માટે કોર્ટ તેમના આંગણે આવી હોય તેમ કલેકટર કચેરી ખાતે સૌ પ્રથમ વાર યોજાયેલ દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં રેશમાબેન નોતીયાર એ ડીસએબીલીટી સર્ટીફીકેટ માટે અરજી કરી હતી. આ અરજીનો હકારાત્મક ઉકેલ આવતા 10 વર્ષના મનોદિવ્યાંગ અર્હાનને તાત્કાલિક દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

દિવ્યાંગોના લાભાર્થે કાર્યરત પ્રયાસ સંસ્થામાં અર્હાન લખતા-વાંચતા, સ્કેટિંગ, ડાન્સિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ શીખે છે. અર્હાનની મુશ્કેલીઓ ઘટાડવામાં દિવ્યાંગતા પ્રમાણપત્ર સહાયરૂપ બનશે. ત્યારે સમયાંતરે મોબાઈલ કોર્ટ તથા ડીસએબીલીટી સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. જેથી, દિવ્યાંગો હેરાનગતિનો ભોગ બન્યા વિના પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને જરૂર હોય તો દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવી શકે.