કેશોદમાં વિકલાંગ બાળકોએ મેળવ્યું કોરોના કવચ, કરી આવી અપીલ

જય વિરાણી, કેશોદ: કોરોના મહામારીથી સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક માત્ર ઉપાય છે. સરકાર દેશના દરેક લોકોને રસી મળે તે માટે રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. આ સાથે કેશોદમાં પણ રસીકરણને લઈ જાગૃતા જોવા મળી છે. જેમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિકલાંગ બાળકોને રસી આપવામાં આવી હતી.

કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરમાં આવેલ આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રાંગણમાં વિકલાંગ બાળકોને કોરોના કવચ આપવા રસીકરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં આવેલ આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટની વિકલાંગ બાળકોની સ્કુલ હોસ્ટેલમાં રહેતાં અંદાજે 60 જેટલા બાળકોએ કોરોના વેકસીન લઈને કોરોના મહામારી સામે રક્ષા કવચ મેળવ્યું હતું.

આ રસીકરણ અભિયાનનું આયોજન કરીને અર્બન હેલ્થ સેન્ટરે સમાજને એક મહત્વનો સંદેશ આપ્યો છે. દરેક વ્યક્તિએ કોરોના રસી લેવી પોતાના માટે તેમજ પરિવાર માટે ખુબજ જરૂરી છે. કેશોદ આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈએ અર્બન હેલ્થ સેન્ટરનાં ડૉક્ટર, મેડિકલ પેરા મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.