Abtak Media Google News

રાજયસભા ચૂંટણીમાં સર્જાયેલી કડવાશથી વિપક્ષી દળોમાં તિરાડની સંભાવના: સામ-સામા આક્ષેપો બાદ હવે રેલીમાં આમંત્રણ અંગે પણ ઉભી થતી અસમંજસ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ વિપક્ષી દળોને એક કરવા માટે લડી રહ્યું છે. ચૂંટણી અગાઉ કોંગ્રેસે વિપક્ષની મેગા રેલીનું આયોજન કર્યું છે. ૧લી સપ્ટેમ્બરે વલસાડથી શરૂથનારી આ રેલીમાં એનસીપીને આમંત્રણ આપવું કે નહીં તે બાબતે મતભેદ ઉભા થઈ રહ્યાં છે.  રાજયસભા ચૂંટણી દરમિયાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે રેલીમાં એનસીપીને આમંત્રણ બાબતે કચવાટ ઉભો થઈ રહ્યો છે. ગત ૧૧ ઓગષ્ટે સોનિયા ગાંધીએ એક સમાન વિચારધારા ધરાવતા પક્ષોની બેઠક બોલાવી હતી.

જેમાં ચૂંટણી અગાઉ વિપક્ષી દળોની શક્તિનું પ્રદર્શન કરવા નિર્ણય લેવાયો હતો. જો કે, આ રેલીમાં એનસીપીના આમંત્રણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. પરંતુ સૂત્રો કહી રહ્યાં છે કે, એનસીપીને રેલીમાં સમાવવા માટે કોંગ્રેસ ફરીથી વિચારણા કરી શકે છે. રાજયસભા ચૂંટણીમાં એનસીપીના ધારાસભ્યોએ કોંગ્રેસને મત ન આપ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ એનસીપીના કહેવા પ્રમાણે એક મત અહેમદ પટેલને પડયો છે. ચૂંટણીમાં મતને લઈને ઉભી થયેલી કડવાસની અસર હવે વિપક્ષમાં તિરાડો ‚પે બહાર આવી રહી છે.  જેમાં પણ એનસીપીએ અગાઉ કહ્યું હતું કે, કોંગ્રેસે એનસીપીને ખુણામાં રાખી હતી અને તમામ લાભ પોતે લીધો હતો. તો બીજી તરફ કોંગ્રેસે એનસીપીને ભાજપની ગણાવી હતી. આ વિવાદ વચ્ચે વિપક્ષી રેલીમાં એનસીપીને આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે બાબતે ચર્ચાઓ શરૂ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.