કેબિનેટમાં કૃષિ રાહત પેકેજ સહિતના મુદ્દે ચર્ચાઓ

ટેકાના ભાવે મગફળીની ખરીદી, દિવાળી બાદ ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ કરવા સહિતના મુદ્દાઓ ચર્ચાયા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળી હતી. જેમાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને થયેલી પારાવાર નુકશાની બાદ હવે જગતાતનો સહારો બનાવવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવું. દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તકેદારીના કેવા પગલા લેવા, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને દિવાળી બાદ ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ કરવા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્રમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે ચાર જિલ્લાના 20 તાલુકાઓમાં ખેતીને વ્યાપક નુકશાની થવા પામી છે. સહાય પેકેજ આપવાની માંગણી ઉઠી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે ત્રણ કેબીનેટ મંત્રીઓની કમીટી પણ રચવામાં આવી છે. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબીનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા 2 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે. હવે તારીખ નક્કી કરાયા બાદ બાળકોને રસી આપવા માટે કેવા પ્રકારનું આયોજન કરવું તે અંગે પણ પ્રાથમિક ચર્ચા કરાય હતી.

અતિવૃષ્ટીના કારણે થયેલી નુકશાનવી માટે રાહત પેકેજ જાહેર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. ટેકાના ભાવથી આગામી લાભ પાંચમથી મગફળી ખરીદી શરૂ કરવામાં આવનાર છે. જેના માટે પુરતી વ્યવસ્થા ગોઠવવી અને દિવાળી બાદ રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા  સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે. ત્રણ કેબિનેટ મંત્રીઓની જે કમિટી રચાઈ છે. તેઓનો રિપોર્ટ આવ્યા બાદ દિવાલી પહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવી સંભાવના છે.

દર બુધવારે સવારે 10:30 કલાકે કેબીનેટની બેઠક મળે છે. પરંતુ આજે સવારે મહાત્મા ગાંધી મંદિર ખાતે એક કાર્યક્રમ હોવાના કારણે કેબીનેટની બેઠક બપોરે 12:45 કલાકે મળી હતી.