Abtak Media Google News
ભારતમાં પાણીની અછત નથી. તેમ છતાં પાણીની પળોજણ દર વર્ષે સર્જાઈ છે. એવું પણ કહેવાય છે કે પાણીના કારણે જ ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જાશે. કારણકે પાણીનો અત્યારે આડેધડ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પાણીની પળોજણ પાછળ અવ્યવસ્થા જવાબદાર છે. માટે પાણીના એક-એક ટીપાનો સદુપયોગ જરૂરી છે.
ભૂગર્ભજળનો આડેધડ ઉપયોગ,  પ્રદૂષણ અને ગંદા પાણીની અવ્યવસ્થાએ ભારતમાં પાણીની પળોજણ ઉત્પન્ન કરતા મુખ્ય મુદ્દાઓ છે. ભારતના શહેરી વિસ્તારોમાં દરરોજ ઉત્પન્ન થતા 72,368 મિલિયન લીટર ગંદા પાણીમાંથી માત્ર ત્રીજા ભાગની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા ન થયેલ પાણી માત્ર બગાડ જ નહીં પરંતુ ભૂગર્ભજળ, નદીઓ અને અન્ય પાણીને પણ પ્રદૂષિત કરે છે. બીજી તરફ સારો વરસાદ તો થાય છે.
પણ તેના પાણીના સંગ્રહ કરવામાં હજુ પણ આપણે સંપૂર્ણ સક્ષમ બન્યા નથી. સરકાર આ માટે વિવિધ પગલાં લઈ રહી છે. પણ હજુ નાગરિકોએ પણ પોતાની રીતે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જરૂરી પગલાં લેવાની જરૂર છે.
પાણીની જાળવણી બાબતે ઇઝરાયેલ પાસેથી શીખ લેવા જેવી
ઇઝરાયેલ પાસે બધું જ છે. બસ જીવન જરૂરિયાતની મુખ્ય એવી ચીજ પાણી જ પૂરતા પ્રમાણમાં નથી. કુદરતે પાણીને લઈને આ દેશ સાથે ભલે અન્યાય કર્યો હોય પણ આ દેશે તેનો રસ્તો આપબળે શોધી કાઢ્યો છે. વર્ષે અંદાજે માત્ર 7 ઇંચ જેટલો માંડ વરસાદ પડે છે તેવી આ દેશની ધરતી ઉપર પાણીની યોગ્ય જાળવણી થાય છે. પાણીને સાચવી રાખીને ક્રમશઃ તેનું શુદ્ધિકરણ કરીને વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત ત્યાં ખેતી પણ એ રીતે વિકસિત કરવામાં આવી છે કે ઓછામાં ઓછા પાણીની જરૂર પડે.
વધુ વરસાદ લાવવા વૃક્ષારોપણ જરૂરી
વૃક્ષ વાવો, વરસાદ લાવો… આ સૂત્ર પર્યાવરણ દિવસે જરૂર સાંભળવા મળે છે. હવે તેનો ચુસ્ત અમલ કરવાનો સમય આવી ગયો છે. વૃક્ષો ઇકોસિસ્ટમમાં મહત્વનો ભાગ ભજવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત વૃક્ષોના મૂળિયાં ભૂગર્ભ જળ માટે ફાયદાકારક હોય છે. માટે  વરસાદ લાવવા માટે વધુમાં વધુ વૃક્ષો હોવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.