- ગુણવત્તાલક્ષી ખાદ્ય પેદાશો માટે પ્રાકૃત્તિક કૃષિની તાતી જરૂરીયાત: કલેક્ટર અજય દહિયા
અમરેલી “કિસાન સન્માન સમારોહ-2025” અન્વયે વડાપ્રધાન અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ. ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો કિસાન સન્માન સમારોહ પણ યોજાયો હતો. સાંસદ ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારોહ-2025 જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી સ્થિત ત્રિ-મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એ.જી.આર-2 મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન સહાય, ટ્રેક્ટર સહાય, એચ.આર.ટી અંતર્ગત પ્રોસેસીંગ યુનિટ સહાય યોજનાના વિવિધ લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે પેમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. પીએમ કિસાન યોજનાના 19માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે પીએમ કિસાન યોજના અન્વયે ગુજરાતના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને રુ.1,148 કરોડથી વધુની સહાય સહિત સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ.22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં કરવામાં આવી હતી. ગાંધીનગર કૃષિ ભવન ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરનું ઇ-લોકાર્પણ થયું.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યુ કે, ચેરિટી બિગીન્સ એટ હોમ પ્રાકૃતિક કૃષિ એ આપણા પરિવારની ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખાદ્ય પેદાશોની જરુરિયાતો માટે જરૂરી છે. જિલ્લા કલેક્ટરએ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.પીએમ કિસાન સન્માન યોજના વર્ષ-2019માં શરુ કરવામાં આવી હતી જે અંતર્ગત તમામ ખેડૂતોને દર ચાર મહિને રુ.2 હજાર એમ વાર્ષિક કૂલ રૂ.6 હજારની નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે.
જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.