Abtak Media Google News

બાળકોને અભ્યાસ અને રમત-ગમતમાં આગળ વધી ઉજજવળ  કારકીર્દી ઘડવા કલેકટરનું આહ્વાન

રાજકોટ ડીસ્ટ્રિકટ નેટવર્ક પીપલ લિવિંગ વીથ એચ.આઈ.વી. એઈડસ ( આર. ડી.એન. પ્લસ ) દ્વારા એચ. આઈ. વી. ગ્રસ્ત તથા અસરગ્રસ્ત 300 બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ કલેકટર  અરૂણ મહેશબાબુના અધ્યક્ષ સ્થાને  જૂની કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેકટર  અરૂણ મહેશ બાબુએ બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, બાળકો એ આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે સૌ બાળકો નિયમિત અભ્યાસ કરે,  રમત – ગમતની પ્રવૃતિમાં ભાગ લઈને  ખૂબ આગળ વધે અને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરે તેવી હું શુભકામના પાઠવુ છું. રાજકોટ જિલ્લામાં એચ. આઈ. વી.  ગ્રસ્તને સરકારી સ્તરે મળતા દવા સહિતના લાભો માટે સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. આ તકે માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ઝીબાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી  સંદિપ વર્મા અને વિરેન્દ્ર દેસાઈ, નાયબ મામલતદાર  વર્ષાબેન વેગડા, ઉપપ્રમુખ ચેતનાબેન ગોહેલ, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પૂજાબેન વાઘમોર, અગ્રણી  અમુભાઈ ભારદિયા, ડો. ઘનશ્યામભાઈ મહેતા, નરેન્દ્રભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ  જગદીશ પટેલે કર્યું હતું.

બેંકોને સરકારી યોજનાના સુચારૂ અમલીકરણ માટે સુચના આપતા કલેકટર

ડીસ્ટ્રિક લેવલ કનવેટિવ કમિટી અને ડીસ્ટ્રિક લેવલ રીવ્યૂ કમિટીની ત્રિમાસિક બેઠક કલેકટર અરુણ મહેશબાબુના અધ્યક્ષસ્થાને અને સાંસદ રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, ગરીબ જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ બેંકોના મારફતે સરકારી યોજનાનો લાભ મળી રહેવો જોઈએ. આ બેઠકમાં વિવિધ બેંકોની શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જેમાં ખેતીવાડી, એમ.એસ.એમ.ઈ, શિક્ષણ, હોમ લોન વગેરે વિશેની માહિતી પણ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સ્ટેન્ડ-અપ અને સ્ટાર્ટ-અપ સહિતની સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કલેકટરએ કરી હતી. તેમજ યોજનાના સુચારૂ અમલીકરણ માટેની જરૂરી સુચના બેંક અધિકારીને આપી હતી. આ બેઠકનું સંચાલન લીડ ડિસ્ટ્રીકટ મેનેજર  સંજયભાઈ મહેતાએ કર્યું હતું. આ પ્રસંગે આર. બી. આઈ ના અધિકારી   કાંગલા, લીડ બેંકના એ.જી.એમ.  નિલેશ જોષી સહિતના બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.