Abtak Media Google News

પાંચ દિવસમાં ૩૪ હજાર લોકોએ લીધો લાભ: આયુષ શાખા

વડોદરા જિલ્લાના ડભોઈમાં  કડીયાવાડ, તાઈ વાઘા, તલાવપુરા તેમજ છીપાવાડના દરેક નાના-નાના ફળિયામાં છેલ્લા ત્રણ દિવસથી સતત  આર્યુવેદીક અમૃત પેય લાઈવ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ શહેરના આ વિસ્તારોને કોવિડ- ૧૯ હેઠળ   કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા  અને નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન ૩૪૧૦૦ હજાર  ઉપરાંત લોકોને આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર  શાલિની અગ્રવાલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીની સૂચનાથી તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી  ડો.સુધીર જોષી તેમજ પ્રાંત અધિકારી હિમાંશુ પરીખના  માર્ગદર્શન હેઠળ  અસરગ્રસ્ત વિસ્તારોમાં આયુર્વેદીક લાઈવ ઉકાળાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું  કે ડભોઈ શહેરમાં  પ્રથમ દિવસે ૨૨૦૦ લાભાર્થી, બીજા દિવસે ૮૩૫૦ લાભાર્થી અને ત્રીજા દિવસે  ૮૩૫૦ લાભાર્થી,ચોથા દિવસે ૮૧૫૦, અને પાંચમા દિવસે ૭૦૫૦ સહિત છેલ્લા પાંચ દિવસમાં  ૩૪૧૦૦ થી વધુ લોકોએ અમૃત પેય ઉકાળાનો લાભ લીધો હતો.

આ  ઉકાળા વિતરણ કેમ્પનું સંચાલન  ડભોઈના મેડિકલ ઓફિસર  વૈદ્ય નિકુંજ પોપટાણી,  ભીલાપૂરના વૈદ્ય સારિકા જૈન, મોટા હબીપુરાના વૈદ્ય ઝંખના જાદવ તેમજ સીમલીયાના મેડિકલ ઓફિસર ડો.રવિના રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટરની ટીમ દ્વારા  લોકોને કોરોનાથી બચવા માટે તેમજ ઉકાળા વિતરણ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોથી સમજૂતી પણ આપી હતી. કોરોના સંક્રમણને અટકાવવા વધુમાં વધુ લોકો  માર્ગદર્શિકાનું પાલન કરે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. જેથી લોકો કોરોનાના સંક્રમણ સામે બચવા માટે પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.