પડધરી તાલુકાના ૬૦ ગામમાં સેનેટરી નેપકીનનું વિતરણ

લાયન્સ કલબના સહયોગથી તાલુકા હેલ્થ ઓફિસરની તબીબ ટીમ દ્વારા સુંદર કામગીરી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતી કિશોરીઓમાં મેન્સ્ટ્રુએશન હાઈજીન અંગે જાગૃતિ કેળવવાના આશયથી પડધરી તાલુકા હેલ્થ ઓફિસર ડો. વૈભવ ગોરિયા અને તેમની તબીબ ટીમ દ્વારા એક અનોખી કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અન્વયે કિશોરીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રાજકોટ લાયન્સ મિડટાઉનના પ્રેસિડન્ટ ડો. મિલન રોકડ અને સેક્રેટરી ડો. કુણાલ પટેલના સંયુકત પ્રયાસથી લાયન્સ કલબ દ્વારા પડધરી તાલુકાના બોડીઘોડી ગામ ખાતે સેનેટરી નેપકીનનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

પડધરી તાલુકાના ૬૦ ગામોમાં આશરે ૨૫૦૦થી વધુ સેનેટરી નેપકીન વિતરણની કામગીરી અંગે વિગતે વાત કરતાં ગ્રામ્ય પ્રાંત અધિકારી સરયુબેન ઝંકાતે જણાવ્યું હતું કે, “કિશોરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેનું ભણતર અને ઘડતર થવું આવશ્યક છે, આજના સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કિશોરીઓ માસિક ધર્મના સમય દરમિયાન ઉદભવતી સમસ્યાઓ અંગે માહિતગાર હોતી નથી. ત્યારે ગ્રામ્ય કક્ષાએ કિશોરીઓને આ વિષય અંગે જાણકારી આપવી જરૂરી છે. જે અન્વયે આંગણવાડી વર્કર અને આશા બહેન દ્વારા ગામની જરૂરીયાતમંદ કિશોરીઓને એકત્રિત કરી લાયન્સ કલબ દ્વારા વિતરીત કરાયેલ સેનેટરી પેડના ઉપયોગ અને નાશ વિશે જાણકારી આપવામાં આવી તે કિશોરીઓના કલ્યાણ માટેનું આવકારદાયક પગલું છે..  આ તકે ડો. પ્રતિભા પટેલ, ડો. પ્રફુલ ઠુંમર, તાલુકા સુપરવાઈઝર આર.બી. ગોસાઈ, આંગણવાડી વર્કર, આશા બહેનો  અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.