- મોરબીમાં સરવડ ખાતે નારી સંમેલનમાં નારી અદાલત, મહિલા આરોગ્ય પોષણ તેમજ કાનૂની કાયદાઓથી મહિલાઓને કરાય અવગત
મોરબી જીલ્લામાં માળીયા તાલુકાના સરવડ ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અને તેમની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ માટે મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુથી પટેલ સમાજ વાડી-સરવડ ખાતે યોજાયેલ નારી સંમેલન કાર્યક્રમમાં મહિલાઓને નારી અદાલત, મહિલા આરોગ્ય અને પોષણ, મહિલાઓ માટેના કાનૂની કાયદાઓ તેમજ મહિલાઓ માટેની યોજનાઓ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નારી શક્તિ જિંદાબાદના નારા સાથે પ્રાસંગિક ઉદબોધન આપતા જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, નારીથી ઘર સુંદર અને રળિયામણું બને છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાવો થકી દીકરીઓને ભણાવવાનું બીડું ઝડપ્યું હતું. સમાજના નવ નિર્માણમાં નારી શક્તિની આગવી ભૂમિકા રહેલી છે.
મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બની આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. મોરબીની મયુર ડેરીને તેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું આજના સમયમાં કોઇ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પ્રભુત્વ ન મેળવ્યું હોય ત્યારે આજનો સમય મહિલાઓને અબળા નહીં પણ સબળા ગણવાનો છે.
આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ સુશીલાબેન બાવરવા, માળીયા તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મહિલાઓ તેમજ કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.