- ગોહિલવાડ ટાઈટન્સના 184 રન સામે કચ્છ રાઇડર્સની ટીમ 166 રનમાં ઓલ આઉટ: સમર ગજ્જરને ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયતઅબતક રાજકોટ
સૌરાષ્ટ્ર પ્રો ટી 20 લીગનો છઠ્ઠો મેચ ગઈકાલે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે જેએમડી કચ્છ રાઇડર્સ અને દીતા ગોહિલવાડ ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. આ રોમાંચક મુકાબલામાં દીતા ગોહિલવાડ ટાઈટન્સે જેએમડી કચ્છ રાઇડર્સને 18 રનથી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ મેચમાં જેએમડી કચ્છ રાઇડર્સના કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દીતા ગોહિલવાડ ટાઈટન્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ગોહિલવાડ ટાઈટન્સ તરફથી રુચિત આહિરે તોફાની બેટિંગ કરતા 35 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 60 રન ફટકાર્યા હતા. કેપ્ટન હાર્વિક દેસાઈએ પણ ધીરજપૂર્વક 46 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 56 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં, સમર ગજ્જરે માત્ર 21 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવીને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. જેએમડી કચ્છ રાઇડર્સ તરફથી ધ્રુવમ પટેલે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે કેવલ સિસોદિયા, પાર્થ ભુત અને પાર્થ ચૌહાણે 1-1 વિકેટ લીધી હતી.
185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જેએમડી કચ્છ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં 166 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેએમડી કચ્છ રાઇડર્સ તરફથી ધ્રુવમ પટેલે આક્રમક બેટિંગ કરી 17 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા. કૃષ્ણકાંત પાઠકે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ 15 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 22 રનનું યોગદાન આપ્યું હતું. દીતા ગોહિલવાડ ટાઈટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કવિંશ પાડલીયાએ 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી, જ્યારે સમર ગજ્જરે 2 વિકેટ લઈને ઓલરાઉન્ડ પ્રદર્શન બતાવ્યું હતું. આ જીત સાથે દીતા ગોહિલવાડ ટાઈટન્સે લીગમાં પોતાની પકડ મજબૂત બનાવી છે.
મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એપેક્સ કાઉન્સિલ મેમ્બર ભૂપત તલાટીયાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કેમ્પસ એક્ટિવવેરના હિમાંશુ જૈન દ્વારા ધ્રુવમ પટેલને કેમ્પસ મેક્સિમમ ફોર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ દીતા ગોહિલવાડ ટાઈટન્સના માલિક તનિષા જૈન દ્વારા સમર ગજ્જરને એનાયત કરવામાં આવ્યો હતો, જેણે અણનમ 46 રન બનાવવાની સાથે 2 વિકેટ પણ ઝડપી હતી.