દીવ: દરિયામાં ગુમ માછીમારના પત્નીને વીમાનો ચેક અર્પણ

દીવ કલેકટરના પ્રયાસોથી પરિવારને મળ્યો સધિયારો

દીવ જિલ્લા વહિવટીતંત્ર અને કલેકટર સલોની રાયના પ્રશંસનીય પ્રયત્નોને લીધે દીવના માછીમાર વીરા કાનજી બામણિયાના પત્નીને વીમા રકમનો ચેક મળ્યો હતો. આ ચેક વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રતિનિધિઓની હાજરીમાં કલેકટરે મૃતકની વિધવાને આપ્યો હતો.

નોંધનીય છે કે દીવના વણકબારાની વીરા કાનજી બામણિયા પોરબંદરના ’વિવાન’ નામના માછીમારીના જહાજમાં ખલાસીનું કામ કરતો હતો.  ૦૧.૦૯.૨૦૧૯ ના રોજ માછીમારી કરતી વખતે તે અચાનક દરિયામાં પડી અને ગુમ થઈ ગયો, તેનો મૃતદેહ આજદિન સુધી મળી આવ્યો નથી.  નિયમો અનુસાર, કોઈ વ્યક્તિના મોતની ઘટનામાં, જો તેનો મૃતદેહ મળી નહીં આવે, તો સાત વર્ષના અંતર પછી, મૃતકના પરિવારને વીમો આપી શકાય છે.  પરંતુ આ કેસમાં મૃતક વીરા બામણીયાના પરિવારની આર્થિક સ્થિતિને જોતા દીવ જિલ્લા કલેકટરે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને દીવ જિલ્લા વહીવટીતંત્રની મજૂર અને રોજગાર કચેરીએ પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો.  આ પછી, પોરબંદર પોલીસના અહેવાલ પર અને માનવતાના આધારે, ઉપરોક્ત વીમા કંપનીએ મૃતકના પરિવારને વીમાની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો.

આ સંદર્ભે, દીવ કલેકટરે રૂ .૮,૩૧,૯૨૦ / – ની વીમા રકમનો ચેક મૃતકની પત્ની શ્રીમતી કાજલ બામણિયાને તેમની ઓફિસમાં આપ્યો, જેથી મૃતકના પરિવારને અસ્તિત્વ માટે આર્થિક મદદ મળે.  વીમા ચેક પ્રાપ્ત કર્યા પછી, શ્રીમતી કાજલ બામણીયાએ દીવ કલેક્ટર, વીમા કંપની અને તમામ સંબંધિત લોકોનો આભાર માન્યો હતો.