Abtak Media Google News

અબતક, રાજકોટ

કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. કાયદાના 2 વર્ષ પૂર્ણ થવા પર રવિવારના દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી પહેલા ઉત્તર પ્રદેશમાં 63 હજારથી વધારે કેસ નોંધાયા હતા, જે કાયદો લાગુ થયા બાદ 221 રહી ગયા છે. તો એક્ટ લાગુ થયા બાદ બિહારમાં 49 કેસ જ નોંધાયા છે.

નકવીએ કહ્યું કે, હવે ત્રણ તલાક ક્રિમિનલ એક્ટ બન્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉકેલ્યો, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યું અને મહરમ કાયદો ખત્મ કર્યો. 3500થી વધારે મુસ્લિમ મહિલાઓએ વગર મહરમ હજની યાત્રા કરી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મુસ્લિમ મહિલાઓની ભાવના અને સંઘર્ષને સલામ કરવા માટે છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સામેલ થયા.

ઉલ્લેખનીય છે કે ઑગષ્ટ 2017માં સુપ્રીમ કોર્ટે એકવારમાં ત્રણ તલાકની 1400 વર્ષ જૂની પ્રથાને અસંવૈધાનિક ગણાવી હતી અને સરકારને કાયદો બનાવવા કહ્યું હતું. ટ્રિપલ તલાક બિલ 30 જુલાઈ, 2019ના રાજ્યસભામાં પાસ થયું હતું. રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા. બિલ 25 જુલાઈ, 2019ના લોકસભાથી પાસ થઈ ચૂક્યું હતું. આના આગામી દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાક બિલને મંજૂરી આપી દીધી હતી. ત્રણ તલાક કાયદા હેઠળ દોષી પુરુષને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. પીડિત મહિલાઓ પોતાના અને બાળકો માટે ભરણ-પોષણની માંગ પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.