Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણીની સંવેદનશીલ જાહેરાત: દિવ્યાંગોની સાધન સહાયની રકમ બમણી કરાઈ: હવેથી દિવ્યાંગ પ્રમાણપત્ર જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી મળી રહેશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયા આપે છે તે સાધન સહાય યોજનાની રકમ દિવાળી બાદ બમણી એટલે કે ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે. રૂપાણી સરકારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે દ્રઢ અને સંગીન પ્રયાસો કર્યા છે. છેવાડાનાં જરૂરિયાતમંદો માટે રૂપાણી સરકારની કલ્યાણકારી યોજનાઓ ટેકારૂપ બની રહી છે. આ યોજનાઓ પૈકીની એક યોજના એટલે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના. આ યોજના અન્વયે ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા દ્રષ્ટિહિન તેમજ મુકબધિર વ્યક્તિ કે જે ગુજરાત રાજ્યનાં વતની હોય, વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોય તેઓને આર્થિક સાધન સહાય હવેથી રૂપિયા ૧૦ હજારની બદલે રૂપિયા ૨૦ હજાર મળશે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયથી દિવ્યાંગોને કૃત્રિમ અવયવ, ઘોડી કે કેલીપર્સ (બુટ), ત્રણ કે બે પૈંડાવાળી સાયકલ, સ્વરોજગારી માટે હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેનાં સાધનો, ઈલેકટ્રીક કોમ્પ્યુટર રીપેરીંગનાં સાધનો, સાયકલ રીપેરીંગનાં સાધનો, ભરતગુંથણ મશીન, એમ્બ્રોઇડરી મશીનની સહાય વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંવેદનશીલ અભિગમ દર્શાવતા એવી પણ જાહેરાત કરી કે દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહનાં નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે ગ્રાન્ટ વધારીને હવેથી રૂપિયા ૨૧૬૦ની ગ્રાન્ટ આપવામાં આવશે. અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે. ઉપરાંત રાજ્યમાં દિવ્યાંગ લોકોની કલ્યાણ યોજનાઓ સહિતનાં અમલીકરણ તેમજ રજૂઆતોનાં સુચારૂ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે. દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશનરની નિમણુક કરવામાં આવશે. આ કમિશનર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહિવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શમાં રહીને તેમની રજૂઆતનાં યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશક્તિકરણ માટેની કાળજી લેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ અને દિવ્યાંગો માટે સુગમતા કરતી ઘોષણા કરી છે કે દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્યમથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓમાં આવેલી રાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજમાંથી મળી શકશે. મતલબ કે દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે. હવે જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી દિવ્યાંગ પ્રમાણપત્ર મળી રહેશે. આ સિવાય રૂપાણી સરકાર દિવ્યાંગ વેલફેર બોર્ડ અને દિવ્યાંગ ફાઈનાન્સ નિગમની રચના કરવાના ઉદ્દેશ સાથે વધુને વધુ દિવ્યાંગો પગભર બની સમાનતાથી સન્માનભેર જીવી શકે તેવા પ્રયાસો હાથ ધરશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાથી જરૂરી નિર્ણયો કરીને દિવ્યાંગોનાં જીવનમાં હેપીનેસ ઈન્ડેક્સ વધારવા સંકલ્પબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.