સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારમાં માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ૧૨ લોકોના જીવનદીપ બુઝાયા

પાટણવાવ, લોધિકા, ઉપલેટા, ટંકારા, લાઠી, અમરેલી, દસાડા અને રાજકોટમાં સજાર્યા જીવલેણ અકસ્માત: જેતપુરના સાંકળી પાસે કાર પલ્ટી ખાતા પિતા-પુત્રના મોત

દિવાળીના સપરમાં તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા હાઇવે પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત દસના મોત નીપજતા દસ પરિવારોની દિવાળીના તહેવારની હસી ખુશીના બદલે શોક છવાયો હતો. માર્ગ અકસ્માતમાં માસુમ બાળકોએ માતાની મમતા અને પિતાની છત્રછાયા ગુમવતા દસેય પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

લોધિકા તાલુકાના ઇટાળા ગામના ભરત લાખાભાઇ સનુરા નામના ૫૦ વર્ષના પ્રૌઢ બાઇક પર ખિરસરા પાસે પસાર થતા હતા ત્યારે ઇક્કો કારના ચાલકે હડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

રાજકોટના ગંજીવાડામાં રહેતા અજય કરશન વાઘેલા અને પારડીના તેના મિત્ર ચંદુ રમેશ મકવાણા બાઇક પર ધોરાજી જઇ રહ્યા હતા ત્યારે ધોરાજી પાસે બાઇક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલા અજય વાઘેલાનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજયું છે.

પાટણવાવ નજીક મોટી મારડ ચીખલીયા રોડ પર જી.જે.૩જેએચ. ૭૨ નંબરના બાઇક ચાલક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. પાટણવાવ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.

ધોરજીના મુસાફરી બંગલા પાસે રહેતા સુરેશભાઇ જીવરાજભાઇ અંતાળા અને તેમના પત્ની પ્રવિણાબેન બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ડુમીયાણી પાસે ભેસ સાથે કાર અને બાઇક અથડાતા સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણાબેન નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું છે.

પાલનપુરના રવિરાજભાઇ દિલીપસિંહ અને મીત કિશોરભાઇ કાલરીયા જી.જે.૩૬એલ. ૫૩૭૧ નંબરની કારમાં ટંકારાથી લજાઇ તરફ જઇ રહ્યા હતા ત્યારે કાર પલ્ટી ખાતા કાર ચાલક મીત કાલરીયા ગંભીર રીતે ઘવાતા મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે. વાંકાનેર જીનપરામાં રહેતા રમાબેન દિપકભાઇ નામની ૩૭ વર્ષની કુંભાર મહિલા અને લક્ષ્મીબેન મનુભાઇ કાપડીયા સહિત પાંચ વ્યક્તિઓ છકડો રિક્ષામાં વાંકાનેરથી ચંદ્રપુર તરફ જઇ રહ્યા હતા ત્યારે દરગાહ પાસે ગાય આડી ઉતરતા રિક્ષા પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મીબેન કાપડીયાનું મોત નીપજ્યું છે. રિક્ષામાં બેઠેલા પાંચ મુસાફર ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અમરેલીના હુડકો કવાર્ટરમાં રહેતા અશોકભાઇ ધીરૂભાઇ સાવર કુંડલા જઇ રહ્યા હતા ત્યારે હનુમાનજી મંદિર પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા તેમનુ મોત નીપજ્યાની મધુબેન ગોરધનભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લાઠી તાલુકાના જાનબાઇની દેરડી ગામે રહેતા નીમુબેન નરેશભાઇ પોતાના પુત્ર પ્રવિણભાઇના બાઇક પાછળ બેસી જઇ રહ્યા હતા કલ્યાણપર ગામ પાસે પહોચ્યા ત્યારે યુટીલીટીના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા નીમુબેનનું મોત નીપજ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મુળ દાહોદ જિલ્લાના ધાનપુર પંથકના વતની અને બેડી ગામે જયતાભાઇ કાનગડની વાડીએ ખેતીકામ કરતા શંકર સમસુભાઇ ભાભર નામના યુવાન વાડીએ જી.જે.૩એચકે.૯૬૭૨ નંબરના ટ્રેકટરમાંથી પડી જતા ગંભીર રીતે ઘવાતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે.

સુરેન્દ્રનગરના દસાડા ગામે રહેતા કાળુભાઇ ગુગાભાઇ નગવાડીયા નામના પ્રૌઢ ચાલીને જઇ રહ્યા હતા ત્યાર વડકુવા પાસે અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તેમનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

જેતપુરના ઉજળીયા સ્કૂલ પાસે રહેતા દિપકભાઇ ભગવતરાયભાઇ શાહ અને તેમનો પુત્ર કુશલ દિપકભાઇ શાહ કાર લઇને વંથલી જઇ રહ્યા હતા ત્યારે સાકડી ગામ પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.