Abtak Media Google News

મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ મચી ગયો છે. માર્કેટિંગ યાર્ડમાં પડેલા કપાસના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. ધુમાડાના ગોટે ગોટા ઉડયા છે. વિકરાળ આગના પગલે આઠ હજાર મણથી વધુ કપાસનો જથ્થો ભસ્મીભૂત થયો છે. જો કે આગ પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

બનાવની જાણ કરવામાં આવતા મોરબી પાલિકાના ફાયર ફાયટરનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અવિરત પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો છે. આગ ભભૂકી ઉઠતા હજ્જારો મણ કપાસ આગમાં હોમાઈ ગયો છે. આગની ઘટનાને પગલે યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાઇ છે.

આગની આ દુર્ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયુ હોવાની શક્યતા છે. હજારો મણ કપાસ ભસ્મીભૂત થઈ ગયો હોવાથી ખેડૂતોમાં દિવાળી ટાણે હોળી જેવો માહોલ સર્જાયો છે સાથે મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

આગ પાછળ સત્તાવાળાઓની બેદરકારી જવાબદાર.?

આગની આ ઘટના અંગે ગુજરાત કિસાન સંગઠનના લક્ષ્મણભાઈ આહિરે જણાવ્યું કે યાર્ડ સત્તાવાળાઓની બેદરકારી જવાબદાર હોવાની સંભાવના છે. દિવાળી જેવા તહેવારને કારણે ખેડૂતોને નાણાની જરૂરિયાત હોવાથી યાર્ડમાં કપાસ વેચવા આવે છે જેથી કપાસનો જંગી જથ્થો યાર્ડમાં છે અને આગને કારણે લગભગ સાત થી આઠ હજાર મણ કપાસનો જથ્થો આગમાં હોમાયો. બે દિવસમાં ખેડૂતોને તાત્કાલિક રૂપિયા ચૂકવી દેવામાં આવે તેવી ગુજરાત કિસાન સંગઠને માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.