Abtak Media Google News

રૂ.6499ની કિંમતનો 4G ફોન રૂ.1999ના માસિક હપ્તાથી પણ ખરીદી શકાશે

ભારતી એરટેલ અને વીઆઈના 2G-3G ગ્રાહકોને આકર્ષી જીઓ મોટો લાભ ખાટશે

જીઓ જી ભરકે….. ભારતમાં ઈન્ટરનેટની દુનિયામાં મોટા બદલાવ લાવી હવે 4જી અને 5જી નેટવર્કની દુનિયામાં હરણફાળ ભરી મસમોટા બદલાવ લાવવા જીઓ સજ્જ થયું છે. આગામી 4 નવેમ્બર એટલે કે દીવાળીના પર્વે જીઓ અને ગુગલનો ફોન જીઓફોન નેક્સ્ટ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોનની ઓછી કિંમત અને તેમાં રહેલા લાજવાબ કૅમેરા તેમજ લેંગ્વેજના ફીચર્સ ગ્રાહકોને માટે મોટા આકર્ષણનું કેન્દ્ર બનશે. એટલું જ નહીં રૂ. 6499 કિંમત ધરાવતા આ જીઓફોન નેક્સ્ટને તમે હપ્તેથી પણ ખરીદી શકશો.

દર માસે રૂપિયા 1999નો હપ્તો ચૂકવી નવો 4જી ફોન લઈ શકો છો. જેમ ટેલિકોમ ક્ષેત્રે જીઓએ પ્રવેશતા વેંત જ હરીફાઈ તીવ્ર બનાવી દીધી એમ હવે એન્ડ્રોઇડ ફોનમાં પણ હરીફાઈ  સર્જી તેમાં મહારથી કહેવાતી એવી ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓને હરીફાઈમાં ટકવું મુશ્કેલ બનાવી દેશે..!!

વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન જીઓફોન નેક્સ્ટનું બુકીંગ શરૂ થઈ ગયું છે. જિયો ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 5.45-ઇંચ HD+ ડિસ્પ્લે છે. Qualcommનું ક્વોડ-કોર QM 215 પ્રોસેસર છે, આ સિવાય 2 GB રેમ સાથે 32 GB સ્ટોરેજ મળે છે, જેને તમે મેમરી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકશો. ફોનમાં ટ્રિપલ કાર્ડ સ્લોટ મળશે જેમાં બે સિમ કાર્ડ માટે અને એક મેમરી કાર્ડ માટે હશે. જ્યાં સુધી કેમેરાની વાત છે, ફોનમાં સેલ્ફી માટે 13-મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. ગૂગલ લેન્સ કેમેરા સાથે સપોર્ટેડ હશે અને સ્નેપચેટ ફિલ્ટર્સ પણ ઉપલબ્ધ હશે.

Jioના આ ફોનમાં 3500 mAhની બેટરી છે, જે 36 કલાકનો બેકઅપ હોવાનો દાવો કરે છે. ફોનની બેટરી રિમૂવેબલ છે એટલે કે તમે તેને દૂર કરી શકો છો. જીઓનો આ 4જી ફોન માર્કેટમાં એરટેલ અને વોડફોનના 2જી-3જી ગ્રાહકોને આકર્ષશે. નિષ્ણાતોના મતાનુસાર, આગામી 3 થી 4 માસના ગાળામાં જીઓનો ફોન વોડાફોન અને એરટેલના 2જીના લગભગ 5થી 10 ટકા જેટલા ગ્રાહકોને ખેંચી લેશે. વોડાફોન અને એરટેલ બંનેના હાલ 280 મીલીયન જેટલા યૂઝર્સ કે જે 2જી નેટવર્ક સાથે સંકળાયેલા છે. આ બંને કંપનીઓ લગભગ 25% આવક આ ગ્રાહકોમાંથી મેળવે છે. જે હવે જીઓ ખેંચશે તેવી તીવ્ર સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.