Abtak Media Google News

જૂના માર્કેટીંગ યાર્ડમાંથી કાજુ અને પિસ્તાના સેમ્પલ લેવાયા: યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ અને મોરબી રોડ પર ખાણીપીણીની બજારોમાં ચેકિંગ

દિવાળીના તહેવારોમાં ડ્રાયફૂટનો ઉપાડ વધુ માત્રામાં થતો હોય છે. આવામાં વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ ભેળસેળ તરફ ન વળે તે માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટીંગ યાર્ડમાં બે સ્થળેથી કાજુ અને પિસ્તાના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. યુનિવર્સિટી રોડ, કુવાડ રોડ અને મોરબી રોડ પર ખાણીપીણીની રેંકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 17 સ્થળે ચેકિંગ દરમિયાન 24 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરટીઓ પાસે જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાગ્ય લક્ષ્મી સેલ્સ એજન્સીમાંથી લુઝ ડ્રાયફૂટ કાજુ અને ફૂડ સ્ટુડીયો રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ પિસ્તાના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દિવાનપરામાં મોન્ટુ બિપીનભાઈ જોબનપુત્રાને ત્યાંથી અમુલ પ્યોર ઘી અને ગોપાલ પ્યોર ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ અને મોરબી બાયપાસ રોડ પર જીજે05 એગવીલા, રાજખોડલ લાઈવ પફ એન્ડ બેકરી, રામદેવ ભેળ એન્ડ આઈસ્ક્રીમ, બજરંગ પાણીપુરી, શક્તિ ચાપડી-ઉધીયું, મયુર ભજીયા, જય માતાજી દાળ પકવાન, ગોકુલ ગાંઠીયા, જલારામ ગાંઠીયા, શ્રીરામ પાણીપુરી, ચામુંડા ટી સ્ટોલ, કેજીએન એગ્ઝ, ક્રિષ્ટલ એગ્ઝ, શ્રીરામ મદ્રાસ કાફે અને રૂસી ઢોસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેડ, સોસ, ચટણી, પાણીપુરીનું વાસી પાણી, વાસી બટેટા સહિત 24 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.