પ્રકાશના પર્વ દિવાળીની ઉમંગભેર ઉજવણી: બુધવારથી નવુ વર્ષ

  • ખંડગ્રાસ સુર્યગ્રહણના કારણે મંગળવારે પડતર દિવસ (ધોકો): આજે રાત પડતાની સાથે જ આકાશમાં
  • રંગબેરંગી ફટાકડાની રંગોળી પુરાશે: વેપારીઓ કરશે ચોપડા પુજન: સર્વત્ર ઉલ્લાસનો માહોલ

આસો વદ અમાસ એટલે હિન્દુ પંચાગનો અંતિમ દિવસ આજે ભારત સહિત વિશ્ર્વભરમાં જ્યાં-જ્યાં હિન્દુસ્તાની લોકો વસવાટ કરે છે ત્યાં ઉમંગ અને ઉલ્લાસભેર પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ચોમેર ખુશાલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખંડગ્રાસ સુર્યગ્રહણ હોવાના કારણે આવતીકાલે મંગળવારે પડતર દિવસ એટલે કે ધોકો છે. બુધવારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આજે રાત પડતાની સાથે જ આકાશમાં અવનવા ફટાકડાની મનમોહક રંગોળી પુરાશે. વેપારીઓ પોતાના ધંધા-રોજગારીની ઉન્નતી માટે પરંપરાનું પાલન કરતા ચોપડા પુજન કરશે. કોરોના કાળના કારણે છેલ્લા બે વર્ષથી દિવાળીના તહેવારની સારી રિતે ઉજવણી થઇ શકી ન હોય આ વર્ષ લોકોમાં સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિક્રમ સંવત-2078નો આજે અંતિમ દિવસ છે. દિપોત્સવી પર્વનો આરંભ ધનતેરસથી લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં દિવાળીના પાવનકારી પર્વની ભારે ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ગૃહીણીઓએ પોતાના ઘરના દરવાજા પર આસોપાલવના લીલા તોરણો બાંધ્યા હતા.

લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધી કાળી ચૌદશનો ભાગ છે. ત્યાર બાદ દિવાળીનો આરંભ થશે. વેપારીઓ દ્વારા આજે ચોપડા પુજન કરવામાં આવતું હોય છે. આજે ચોપડા પુજન અને લક્ષ્મી પુજન માટેનું શ્રેષ્ઠ મુહુર્ત સાંજે 6:05 થી 7:30 કલાક સુધી, ત્યારે રાત્રે 8:11 કલાકથી 9:21 કલાક સુધી અને રાત્રે 10:27 થી 11:47 કલાક સુધી છે. આજે સવારથી શુકનવંતા આસો પાલવના તોરણોની ખરીદી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાત્રીના 8 થી 10 કલાક જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષ આવતીકાલે મંગળવારના દિવસે ખંડગ્રાસ સુર્યગ્રહણ હોવાના કારણે પડતર દિવસ એટલે કે ધોકો છે. જેના કારણે નવા વર્ષની ઉજવણી મંગળવારના બદલે બુધવારે કરવામાં આવશે. દિવાળીના તહેવારોમાં ફરવા લાયક સ્થળોએ માનવ મેદની ઉમટી પડશે. લોકો જબરજસ્ત ફેસ્ટીવલના મૂડમાં આવી ગયા છે.

વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રીએ પાઠવી દિવાળીની શુભકામના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતની જનતાને પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રકાશનું પર્વ દિવાળી તમામના જીવનમાં ઉજાસ પાથરી દે અને આવનારૂં નવુ વર્ષ સુખાકારી, સ્વાસ્થ્યકારી, આનંદકારી, સમૃધ્ધી વધારનારૂં બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.