ન હોય! ફક્ત રૂપિયા ૧ની કેન્ડીએ ૩૦૦ કરોડનું વેચાણ કર્યું: મલ્ટીનેશનલ કંપનીઓ સ્તબ્ધ

pulse | business | cancy | comapnypulse | business | cancy | comapny
pulse | business | cancy | comapny

રજનીગંધા પાનમસાલા અને કેચ વોટર બનાવતી કંપની ડી.એસ. ગ્રુપે વર્ષ ૨૦૧૫માં રૂ.૧ની કાચી કેરીના સ્વાદવાળી ‘પલ્સ’ કેન્ડીને લોન્ચ કરી હતી

માત્ર એક રૂપિયાની કેન્ડી ‘પલ્સ’ કરોડોનો બિઝનેસ કરી મલ્ટીનેશનલ કંપનીઓને પાછળ ધકેલી દે તે એક આશ્ર્ચર્યજનક વાત છે પરંતુ નાની વયથી મોટી વયના તમામ લોકોની પસંદગી બનેલી ‘પલ્સ’ નામની આ કેન્ડીએ બે વર્ષમાં અધધ ૩૦૦ કરોડનું વેચાણ કરી બજારમાં ધૂમ મચાવી દીધી છે. વર્ષ ૨૦૧૫માં રજનીગંધા પાનમસાલા અને કેચ વોટર બનાવવાવાળી કંપની ડી.એસ. ગ્રુપે કાચી કેરીના સ્વાદવાળી કેન્ડી ‘પલ્સ’ને લોન્ચ કરી હતી.

આ ‘પલ્સ’ કેન્ડીએ લોન્ચ થયાના માત્ર આઠ મહિનામાં જ ૧૦૦ કરોડનું વેચાણ કર્યુ હતું. ગયા મહિને આ માત્ર ૧ રૂપીયાની કેન્ડીએ ૩૦૦ કરોડનું વેચાણ કરી ઓરિયો જેવી મલ્ટીનેશનલ કંપનીઓને પાછળ રાખી દીધી છે. વર્ષ ૨૦૧૧માં ભારતમાં લોન્ચ થયેલી ઓરીયોનું વેચાણ રૂ.૨૮૩ કરોડ રહ્યું. ૬ વર્ષ પહેલા લોન્ચ થયેલ ઓરિયોને રૂ.૨૮૩ કરોડનું વેચાણ કર્યુ જ્યારે માત્ર બે વર્ષ પહેલા લોન્ચ થયેલ ‘પલ્સે’ રૂ.૩૦૦ કરોડનું વેચાણ કર્યુ. આમ ઓરિયોની સામે માત્ર એક રૂપિયાની કેન્ડી નવાબ બની ગઇ છે. પલ્સની અત્યાર સુધીની મુસાફરી એક સફળતાની મિસાલ બની છે.

કોકા-કોલાના ખુબજ પ્રચાર કરાયેલી પ્રોડક્ટસ કોક જીરોનું વેચાણ ૧૨૦ કરોડ સુધી જ રહ્યું હતું. ભારતમાં પ્રતિસ્પર્ધાને ઘ્યાને રાખતા પલ્સનું પ્રદર્શન ખૂબજ પ્રસંશનીય રહ્યું છે. ભારતમાં કેન્ડી ઇન્ડસ્ટ્રીઝ ૬૬૦૦ કરોડ રૂપિયાની છે. જે ૧૧ થી ૧૪ ટકાની ઝડપે વધી રહી છે. અમુક દેશી બ્રાન્ડસ ઉપરાંત કેન્ડી માર્કેટમાં પલ્સની ટક્કર પાર્લેની મેંગો બાઇટ અને ઇટાલીની કંપની એલ્પેલિબે સાથે રહી છે. પલ્સે માત્ર બે વર્ષમાં કેન્ડી માર્કેટમાં પાર્લે અને એલ્પેલિબે પછી ત્રીજુ સ્થાન હડપ્યું છે.

ડીએસ ગ્રુપ ‘પલ્સ’ને સિંગાપુર, બ્રિટન અને અમેરિકા સુધી પહોંચાડવાની કોશિષ કરી રહ્યું છે. ‘પલ્સ’ના માર્કેટીંગમાં રસપ્રદ બાબત એ છે કે આ કેન્ડીના પ્રચાર માટે કોઇ ખાસ ખર્ચ પણ કરવામાં આવ્યો નથી. ટીવી જાહેરાતો વગર પલ્સે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે