Abtak Media Google News

કોરોનાકાળમાં દર્દીની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહે તે ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જોતા આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે જ મા  અમૃતમ કાર્ડની મુદત આગામી તા.31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલમાં મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેથી બધા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આજે આરોગ્ય વિભાગ દ્વારા નવી એક જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગો તથા ગંભીર બીમારી સામે ત્વરીત સારવાર પુરી પાડવા માટે મા અમૃતમ વાત્સલ્ય યોજના કાર્યરત છે જેમાં લાભાર્થીઓને હવે આખા પરિવાર દીઠ એક કાર્ડના બદલે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા યોજના અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂા.5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામુલ્યે પૂરું પાડવામાં આવે છે. અને આ યોજના હેઠળ કોઈપણ દર્દી સરકારી, ટ્રસ્ટ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આખા પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું પરંતુ હવે એક પરિવાર જો પાંચ વ્યક્તિ હોય તો પેલા પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું હવે પરિવારના પાંચ સભ્યોને અલગ અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે જેથી સારવારમાં સરળતા રહે. હાલ રાજ્ય સરકારની હોસ્પિટલ સામૂહિક કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દર્દી જરૂરીયાત પ્રમાણે રૂા.5 લાખ સુધીની સહાય વિનામુલ્યે મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.