શું તમને ખબર છે ટ્રેનમાં વગાડવામાં આવતાં અલગ અલગ પ્રકારના હોર્નનો અર્થ

મુસાફરી કરવા માટે લોકો અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોય છે જેમકે બસ,ટ્રેન,પ્લેન,કાર ,મોટર સાયકલ વેગેરે. મધ્યમ વર્ગ પોતાની મુસાફરી માટે મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરવા ઇચ્છે છે કારણકે મધ્યમવર્ગના લોકોને ટ્રેન દ્વારા મુસાફરી સરળ બને છે. ટ્રેનમાં ડ્રાઇવર,ગાર્ડ અને સ્ટેશન માસ્તર અને લોકો માટે અલગ – અલગ હોર્ન વગાડવામાં આવતા હોય છે. રેલવેસ્ટેશન પર આ હોર્ન વગાડવામાં સંકેતને અનુસરવામાં આવે છે.તો જાણીએ ટ્રેનના હોર્નના અલગ-અલગ સંકેત.

૧. એકવાર ટૂંકું હોર્ન:

જો ટ્રેનના ડ્રાઇવર એક વખત નાનું હોર્ન વગાડે તેનો મતલબ એ છે કે ટ્રેન યાર્ડમાં( જ્યાં ટ્રેનને ધોવામાં આવે છે ) જવા માટે તૈયાર છે.

૨. બે વાર ટૂંકું હોર્ન :

જો ડ્રાઇવર બે વખત નાનું હોર્ન વગાડે તો એનો મતલબ એ છે કે તે ગાર્ડ પાસેથી ટ્રેન ચલાવવા માટે સિગ્નલ માંગે છે.

૩. ત્રણવાર ટૂંકું હોર્ન :

ટ્રેન ચલાવતા સમયે જો ડ્રાઇવર ત્રણવાર નાનું હોર્ન વગાડે તો તેનો મતલબ છે કે ગાડીએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું છે ગાર્ડ પોતાના ડબ્બામાં લગાડેલી વેક્યુમ બ્રેક ખેંચો.

૪.ચાર વખત ટૂંકું હોર્ન :

જો ટ્રેનમાં કોઈ દુર્ઘટના થઈ ગઈ હોય અથવા એન્જિનમાં કોઈ ખરાબી આવી ગઈ હોય જેના કારણે ટ્રેન આગળની મુસાફરી કરવા સક્ષમ ન હોય ત્યારે ડ્રાઇવર ચાર વખત નાનું હોર્ન વગાડે છે.

૫. એક લાંબુ અને એક ટૂંકું હોર્ન :

જો ડ્રાઇવર દ્વારા એક લાંબુ અને એક ટૂંકું હોર્ન વગાડવામાં આવે તો તેનો મતલબ ડ્રાઇવર ગાર્ડને સંકેત આપે છે કે ટ્રેન ચાલુ થયા પહેલા બ્રેક પાઇપ સિસ્ટમ ચેક કરી લ્યો.

૬. બે લાંબા અને બે ટૂંકા હોર્ન

જો ડ્રાઇવર દ્વારા બે લાંબા અને બે ટૂંકા હોર્ન વગાડવામાં આવે તો ડ્રાઇવર ગાર્ડને એન્જિનમાં બોલાવવાનો સંકેત આપે છે.

૭. સતત લાંબુ હોર્ન :

જો ડ્રાઇવર દ્વારા સતત લાંબુ હોર્ન વગાડવામાં આવે તો તેનો મતલબ એ છે કે ટ્રેન નોન સ્ટોપ બધા જ સ્ટેશનને ક્રોસ કરી રહી છે.

૮. અટકી અટકીને વગાડાતું લાંબુ હોર્ન :

જ્યારે ટ્રેન રેલવે ફાટક ક્રોસ કરી રહી છે સડકમાર્ગ પર ચાલતા મુસાફરોને સતર્ક કરવા માટે ડ્રાઇવર અટકી અટકીને વગાડાતું લાંબુ હોર્ન વગાડે છે.

૯.એકવાર લાંબુ – એક વાર ટૂંકું , ફરીથી એકવાર લાંબુ – એકવાર ટૂંકું હોર્ન:

એકવાર લાંબુ – એક વાર ટૂંકું , ફરીથી એકવાર લાંબુ – એકવાર ટૂંકું હોર્ન વગાડવામાં આવે તો તેનો મતલબ એ છે કે ટ્રેન ટકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે.

૧૦.બે વખત ટૂંકું અને એક વખત લાંબુ હોર્ન:

જ્યારે કોઈક મુસાફર ઇમરજન્સી ચેઇન ખેંચે અથવા તો ગાર્ડ દ્વારા વેકયમ બ્રેક લગાડવામાં આવે ત્યારે ડ્રાઇવર બે વખત ટૂંકું અને એક વખત લાંબુ હોર્ન વગાડે છે.

૧૧. છ વખત નાનું હોર્ન :

જો ડ્રાઇવર દ્વારા છ વખત નાનું હોર્ન વગાડવામાં આવે તો કોઈક મોટી આફત છે એવું ડ્રાઇવર દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે.