શું તમે જાણો છો ભગવાન ગણપતિના આ 12 નામ ? અલગ-અલગ રાજ્યોમાં ગણેશ ચતુર્થી ઉજવાય છે અલગ-અલગ નામે  

મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ગણેશ પુજન સાથે ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર પર્વે છ ગ્રહોનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ભાદ્રપદના શુક્લપક્ષની ચતુર્થીતિથીએ શરૂ  થનાર ગણેશ ચોથનું આપણી સંસ્કૃતિમાં અનેરૂ  મહત્વ છે.

આજે ગણપતિજીને જળ, ફૂલ, અક્ષત, ચંદન, ધૂપ, દીપ, ફળ અને મોદકનો નૈવેદ્ય ધરાવવો: આજે ઘરે-ઘરે ગણેશ સ્થાપના થશે: છ ગ્રહોનો શુભ સંયોગ પણ આજે છે

શિવજીના પુત્ર અને રિધ્ધી-સિધ્ધીના દાતા ગણપતિ દેવને ગણવામાં આવે છે. તેમનું વાહન ઉંદર છે. ભગવાન ગણેશનું શિર્ષ હાથીનું છે. સમગ્ર વિશ્ર્વમાં ભગવાન ગણેશ પ્રચલિત દેવતા છે. વિદેશોમાં પણ તેના ભક્તો જોવા મળે છે. ગણોના સ્વામી હોવાતી તેને ગણપતિ કહેવાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ તે કેતુના અધિપતિ દેવતા મનાય છે. હાથી જેવા શિશને કારણે તેને ગજાનન પણ કહેવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રમાં કોઇપણ શુભ કાર્યના પ્રારંભે તેનું પુજન-અર્ચન કરવામાં આવે છે. ગણેશજી કષ્ટ વિનાશક અને સિધ્ધી વિનાયક પણ કહેવાય છે.

 

ભગવાન ગણેશજીના મુખ્ય ૧૨ નામ

 સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન જેવા મુખ્ય નામ સાથે અનેક નામો પ્રચલિત છે.

ભગવાન ગણેશ અવતાર વિશેની અલગ-અલગ માન્યતા લોકવાયકા છે. તે આદિદેવ ગણાતા હોવાથી દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાયું છે. સતયુગમાં ઋષિ કશ્યપ અને અદિતિ, ત્રેતાયુગમાં ઉમાને ત્યાં ગણેશ અને દ્વાપરયુગમાં પાર્વતીને ત્યાં ગણેશના રૂપમાં જન્મ લીધાની કથા જાણીતી છે. કળિયુગમાં પણ ધૂમ્રકેતુ કે ધુમ્રવર્ણાના અવતારની કથા ભવિષ્ય પુરાણમાં વર્ણવી છે. તેમના મુખ્ય ૧૨ નામોમાં સુમુખ, એકદંત-કપિલ-ગજકર્ણક-લંબોદર-વિકટ-વિધ્નહર્તા-વિનાયક-ગણાધ્યથી- ભાલચંદ્ર-ગજાનન અને ધૂમ્રકેતુ જેવા નામો છે.

પિતા શિવજી અને માતા પાર્વતીના પુત્ર ગણેશજીના ભાઇનું નામ કાર્તિકેય હતું. તેમના બે પુત્રો લાભ-શુભ હતા. તેમનો પ્રિયભોગ મોદક સાથે લાલ રંગનું પુષ્પ પ્રિય હતું. જલતત્વના તે અધિપતિ કહેવાય છે. ગણેશજીના મુખ્ય અસ્ત્ર અંકુશ અને પાશ હતા. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ઉજવણી કરાય છે. આ દિવસે ગણેશજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. આપણાં ગણેશ ચોથના તહેવાને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી કહેવાય છે તો કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે ઓળખાય છે. આ તહેવાર સમગ્ર દેશમાં લોકો ભક્તિભાવથી ઉજવે છે.

ગણેશ ચોથથી શરૂ  થતો ગણેશોત્સવ સતત દિવસ ભવ્ય તહેવાર તરીકે ઉજવાય છે. આ તહેવારની પૂર્ણાહૂતિ ૧૦ દિવસ બાદ  અનંત ચતુર્થીના દિવસે થાય છે. ઘરે સ્થાપના કરેલા ભગવાન ગણેશજીનું નદીમાં વિસર્જન કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. ગણેશોત્સવમાં ભક્તો તેને રીઝવવાના અનેક પ્રયાસો, કાર્યો, પૂજન-અર્ચન કરે છે.