Abtak Media Google News

એવું માનવામાં આવે છે કે પાતળા ફૅબ્રિકનાં કપડાં પહેરવાથી પાતળા લાગી શકાય છે અને કૉટન તથા સ્ટિફ કપડાં પહેરવાથી જાડા લાગીએ છીએ. આનો અર્થ એમ થાય કે જેઓ સ્થૂળ શરીર ધરાવે છે તે જો સ્ટિફ કપડાં એટલે કે ટસર સિલ્ક, લિનન કે સ્ટાર્ચવાળાં કપડાં પહેરે તો જાડા લાગે. ખરેખર તો સ્ટિફ ફૅબ્રિક ક્યારેય પણ પોતાનો લુક છોડતાં નથી, એને જે પ્રમાણે બેસાડવામાં આવે એ જ રીતે રહે છે અને શરીરથી થોડાં અળગાં રહે છે. એટલે થોડા જાડા લાગીએ એવું લાગે છે. સ્ટિફ કપડાં પહેરવાથી બૉડી-ફ્રેમ વધારે બ્રૉડ લાગે છે અને પાતળાં કપડાં જેમ કે ક્રેપ, શિફૉન અને જ્યૉર્જેટ ફ્લોઇ ફૅબ્રિક છે. અને ભૂલથી જો આવા ફૅબ્રિકમાં એક સાઇઝ મોટી પણ પહેરો તો વાંધો નહીં, કારણ કે આવાં ફ્લોઇ કપડાં તમારા શરીરનો શેપ લઈ લે છે અને તમારી બૉડી-ફ્રેમની બહાર જતાં નથી. આથી તમે જાડા લાગતા નથી.

સલવાર-કમીઝ કે અનારકલી

1 76સલવાર-કમીઝ કે અનારકલી બન્ને ખૂબ જ કમ્ફર્ટેબલ ડ્રેસ છે, પરંતુ એની પસંદગી બહુ ચોકસાઈ માગી લે છે. જેમ કે સલવાર-કમીઝ અને અનારકલીમાં યોક આવે છે. ખાસ કરીને યોકવાળા ડ્રેસ ટાળવા જોઈએ. યોક બૉડીને ડિવાઇડ કરે છે. યોકવાળા ડ્રેસ પહેરવાથી બસ્ટલાઇન વધારે હાઇલાઇટ થાય છે. એટલે યોક વગરના ડ્રેસ પહેરવા અને જો ડ્રેસમાં યોક હોય તો વાંધો નહીં, પરંતુ એવો ડ્રેસ સિલેક્ટ કરવો જેમાં યોકનો કલર અને કુર્તાનો કલર મૅચિંગ હોય. પગમાં ૩થી ૪ ઇંચ સુધીની હીલ્સવાળા ચંપલ પહેરવાં જેથી થોડા લાંબા અને પાતળા લાગી શકાય.

પટિયાલા, લેગિન્ગ્સ કે ચૂડીદાર

2 51સ્થૂળ શરીરવાળાઓએ ખાસ કરીને પટિયાલા ન પહેરવું. પટિયાલાના ખૂલતા લુકને લીધે શરીર વધારે બ્રૉડ દેખાય છે. પટિયાલાને બદલે કુર્તાની નીચે લેગિન્ગ્સ પહેરવું જેથી થોડા પાતળા લાગો. જો તમારો હિપનો ઘેરાવો વધુ હોય તો ફ્રૉક સ્ટાઇલ કુર્તી સાથે લેગિન્ગ્સ પહેરી શકાય. જો શરીર વધારે પડતું સ્થૂળ હોય તો લેગિન્ગ્સ ન પહેરવાં, એને બદલે યોક વગરના લૂઝ સ્ટિચ કરેલાં ચૂડીદાર પહેરવાં જેને લીધે ઊઠવા-બેસવામાં તકલીફ ન થાય. ચૂડીદાર અને લેગિન્ગ્સ શરીરને ચોંટીને રહે છે. એટલે બૉડીને નૅરો લુક મળે છે અને વધારે બ્રૉડ નથી લાગતા.

સાડી

3 43
બધાનું માનવું એમ હોય છે કે નેટની સાડી પહેરીશું તો પાતળા લાગીશું, પરંતુ સાડી લેતી વખતે તેઓ ભૂલી જાય છે કે નેટ એક ટ્રાન્સપરન્ટ ફૅબ્રિક છે. એનાથી તમારા શરીરની વધારાની ચરબી આંખે ઊડીને દેખાય છે. નેટની સાડીમાં ખાસ કરીને પ્રિન્સેસ કટનાં બ્લાઉઝ પહેરવામાં આવે છે. સ્થૂળ શરીરવાળાઓને પ્રિન્સેસ કટનાં બ્લાઉઝ બરાબર બેસતાં નથી. તેમણે ખાસ કરીને કટોરીવાળાં બ્લાઉઝ જ પહેરવાં પડે છે અને જ્યારે નેટની સાડીમાંથી કટોરીવાળાં બ્લાઉઝની આખી પૅટર્ન દેખાય છે ત્યારે ખૂબ જ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. સાડી પહેરવાથી પેટનો ભાગ ખુલ્લો રહે છે. જો તમે વધારે તમારા ફિગરને લઈને કૉન્શિયસ હો તો બ્લાઉઝ થોડું લાંબું કરાવવું, જેથી પેટનો ખુલ્લો ભાગ ઢંકાઈ જાય છે.

વેસ્ટર્ન વેઅર

4 33સ્ત્રીઓને હંમશાં કંઈક નવું ટ્રાય કરવાની આદત તો હોય જ છે. અને જો એમાં વેસ્ટર્ન વેઅરની વાત આવે તો કોઈક જ એવી સ્ત્રી હશે જે ના પાડશે. આજકાલ ઍન્કલ લેન્ગ્થનાં ટ્રાઉઝર ઘણાં જ ચાલ્યાં છે. જો તમે ભરાવદાર શરીર ધરાવો છો તો તમારે ઍન્કલ લેન્ગ્થ ટ્રાઉઝર ન પહેરવાં. એનાથી તમારી ભરાવદાર પગની પિંડીઓ આંખે ઊડીને આવે છે. જો ટ્રાઉઝર કે જીન્સ પહેરવું જ હોય તો ઍન્કલથી બે ઇંચ નીચે પહેરવું અને ૩થી ૪ ઇંચની હીલ્સ પહેરવી. થોડા લાંબા ટ્રાઉઝર કે જીન્સ પહેરવાથી પગની પિંડીઓ વધારે નહીં લાગે. ટ્રાઉઝર કે જીન્સ સાથે ટૂંકાં ટૉપ્સ ન પહેરવાં, કારણ કે ટ્રાઉઝર કે  જીન્સ પહેરો ત્યારે પેટ દબાય છે અને બાકીની ચરબી ટાયરરૂપે દેખાય છે.

જો તમે રેગ્યુલરલી જિમમાં જતા હો તો થ્રી ફોર્થ લેન્ગ્થનું ટ્રૅક પૅન્ટ ન પહેરવું. એનાથી કાફ અને થાઇઝ વધારે લાગે છે. ફુલ લેન્ગ્થનાં ટ્રૅક પૅન્ટ જ પહેરવાં અને હિપ કવર થાય એવડું ટી-શર્ટ પહેરવું. બને ત્યાં સુધી સ્થૂળ શરીરવાળાઓએ ટ્રાઉઝર અને જીન્સ સાથે હિપ કવર થાય ત્યાં સુધીના ટૉપ્સ પહેરવાં.

કલર અને પ્રિન્ટ 5 20જેમનું શરીર વધારે સ્થૂળ કે ભરાવદાર હોય તેમણે પ્રિન્ટ અને કલરની પસંદગી ધ્યાનપૂર્વક કરવી. જેમ કે બ્રૉડ પ્રિન્ટ વિથ બ્રાઇટ કલર પસંદ ન કરવી. બ્રૉડ (મોટી) પ્રિન્ટથી શરીર વધારે બ્રૉડ હોય એવો આભાસ થાય છે. ભડકીલા કલર ધ્યાન આકર્ષિત કરે છે અને ભડકીલા કલરથી શરીર વધારે બ્રૉડ લાગે છે. ખાસ કરીને ઝીણી પ્રિન્ટ પસંદ કરવી. ઝીણી પ્રિન્ટ પહેરવાથી શરીર બ્રૉડ લાગતું નથી. સ્થૂળ શરીરવાળાઓએ ખાસ કરીને બ્લૅક કલર પહેરવો. બ્લૅક કલર બૉડી ફ્રેમ કટ કરે છે. અને તમારા શરીરને પાતળું દેખાડવામાં મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.