Abtak Media Google News

રાજયની સાથે જામનગરમાં પણ બોન્ડેડ તબીબો ગામડામાં પ્રેકટીસ સહિતના પ્રશ્ને છેલ્લાં 9 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પરંતુ રાજય સરકારે મંત્રણાની તજવીજ શરૂ કરતા તબીબોએ નરમ વલણ અખત્યાર કરતા જી.જી.હોસ્પિટલમાં ઇમરજન્સી અને કોરોનાની સારવાર શરૂ કરી છે. જો કે, હડતાલ પર ઉતરેલા તબીબો દ્વારા હજુ ઓપીડીનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજયભરમાં છેલ્લાં 9 દિવસથી બોન્ડેડ અને રેસીડન્ટ તબીબો પોતાની વિવિધ માંગણીઓના પ્રશ્ને હડતાલ પર ઉતર્યા છે. તબીબોની હડતાલ સામે રાજય સરકારે આકરૂં વલણ અખત્યાર કરી હોસ્ટેલ ખાલી કરવાના આદેશની સાથે વીજ પૂરવઠો કાપી નાખ્યો હતો. આમ છતાં તબીબો દ્રારા હડતાલ યથાવત રાખવામાં આવી હતી.

રેસીડન્ટ તબીબો હડતાલ પર ઉતરતા જી.જી.હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આટલું જ નહીં વોર્ડમાં સીનીયર તબીબોને ફરજ બજાવવી પડી હતી. તબીબોએ ટોપી પહેરી, કેન્ડલ માર્ચ કરી સૂત્રોચ્ચાર સાથે સરકારની નીતિ સામે વિરોધ કર્યો હતો. આઇએમએ પણ તબીબોના આંદોલનને સમર્થન આપ્યું હતું.

આ સ્થિતિમાં રાજય સરકારે મંત્રણાની તજવીજ શરૂ કરી તબીબોને ફરજ પર ચડી જવા જણાવ્યું હતું. જેના પગલે તબીબોએ નરમ વલણ દાખવતા જી.જી.હોસ્પિટલમાં ઇમરજન્સી અને કોરોનાની સારવાર હડતાલ પર ઉતરેલા તબીબોએ શરૂ કરી છે. જો કે, હજુ ઓપીડીનો તબીબોએ બહિષ્કાર કર્યો છે. સતત 9 દિવસથી તબીબોની હડતાલને પગલે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.