ડોક્ટર્સ યુ ટુ : હોસ્પિટલોમાં ભાવ બાંધણાની નોબત આવે તે કેવી કમનસીબી..!

તબીબી વ્યવસાયને સમાજમાં સૌથી વધુ સન્માનનો દરજ્જો મળે છે. દર્દીને વૈદ્યવાલા જ હોય ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં પણ જરાય સામાજીક અને નૈતિક અતિશ્યોક્તિ લાગતી નથી. નવા બનતા ડોક્ટરોને પણ પદમી દાન સમારોહમાં જ જીવનભર તબીબી વ્યવસાયનું માનવતા અને સેવાના માધ્યમનો ગરીમા પૂર્વકનો દરજ્જો જાળવી રાખવા હિમાયત કરવામાં આવે છે. તબીબી વ્યવસાય એક એવો વ્યવસાય છે કે જે અન્ય વ્યવસાય, સેવા કે ફરજની જેમ ઓફિસ ટાઇમ કે ઘડીયાળના કાંટે બંધાયેલી ફરજ નથી. બાર પહોર બત્રીસેય ઘડી અને વર્ષના 365 દિવસ ડોક્ટરને હંમેશા પોતાની ફરજ માટે તૈયાર રહેવાનું કર્તવ્ય જીવનભર નીભાવવાનું હોય છે.

ડોક્ટર બનવું એ સહેલી વાત નથી. ભણવામાં ખૂબ જ મહેનત, સારી ટકાવારી અને મગજ કસી કસીને જ ડોક્ટર બનવાનું સોભાગ્ય પ્રાપ્ત થાય છે. ડોક્ટર બનવા માટે ભલે ઉચ્ચ પ્રતિભાશાળી શૈક્ષણિક કારકિર્દીની આવશ્યકતા હોય પરંતુ આજીવન ડોક્ટર તરીકેનો ધર્મ જાળવી રાખવા માનવતાના ઉચ્ચ મૂલ્યના સંસ્કાર અને સમાજ પ્રત્યેની ફરજ નિષ્ઠા પણ આવશ્યક બને છે.

છેલ્લા કેટલાંક સમયથી તબીબી વ્યવસાય, આધુનિક સુખ-સુવિધા અને નવા-નવા સંશોધનોને લઇને ખૂબ જ સમૃધ્ધ સંશાધન ધરાવતો અને અનેક બિમારીઓ પર વિજય મેળવનાર કસબ તરીકે વિકસી રહ્યો છે. વધતી જતી વસ્તી, આરોગ્યની જાળવણી પ્રત્યેની સંભાનતાની સાથેસાથે કુપોષણ, પર્યાવરણનું પ્રદૂષણના કારણે વધતી જતી બિમારીઓ નવા વાઇરલ જન્ય રોગોથી દરેક વ્યક્તિને તબીબની સેવા આવશ્યક બની છે. ડોક્ટરનો વ્યવસાય અત્યારે બહોળી કમાણીનો વ્યવસાય બની ચુક્યો છે.

માંગની સાથેસાથે તબીબ જગતમાં ડોક્ટર અને દર્દીના સંબંધો પણ વેપારી અને ગ્રાહક જેવા થતા જાય છે. ખાનગી પ્રેક્ટીસ ખૂબ જ લાભ આપનાર બન્યો હોવાથી સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને સરકારને લાખો રૂપિયાનો ખર્ચ કરાવીને ડોક્ટર બનતાં જૂનિયર ડોક્ટરો સરકારને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની અપેક્ષાને નોન પ્રેક્ટીકલ ગણે છે. મોંઘા ભાવના બોન્ડ ખરીદે છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં નોકરી કરવા તૈયાર થતાં નથી. જૂનિયર ડોક્ટરોથી જ વ્યવહારૂ બનવાની શરૂ થતી આ પ્રક્રિયા તબીબી વ્યવસાયને માનવ સેવાથી દૂરને દૂર લેતું જાય છે.

મહામારીના કપરા કાળમાં જ્યારે માનવીને માનવીની જરૂર ઉભી થઇ ત્યારે કેટલાંક આરોગ્ય સંસ્થાનોમાં નાણાં કમાવવાની હરિફાઇ ઉભી થઇ. સેવાના હેતૂથી શરૂ થતી આરોગ્ય સેવા હવે સંપૂર્ણપણે કોમર્શિયલ ધોરણે ચાલવા લાગી છે. અદ્યતન સાધન સંપન્ન હોસ્પિટલો ઉભી કરવા માટે ચેરીટી અને કોર્પોરેટ જગતની મદદ લેવાનો ઉભો થયેલો શિરસ્તો જ તબીબી સેવાને સેવાના ઉમદા હેતુથી દૂરને દૂર લેતું જાય છે. આરોગ્ય સેવા, ડોક્ટરની ફી અને ઇલાજની કિંમતનું હવે કોઇ માપ જ રહ્યું નથી. જેવું ઝાડવું એવી કરવતની જેમ કોર્પોરેટ જગતની હોસ્પિટલોમાં મળતી સેવાની કિંમત બેફામ વસૂલવામાં આવી રહી છે.

માનવતા માટે શરમજનક આ પ્રથા સરકાર માટે પણ ચિંતાનો વિષય બને એ સ્વભાવિક છે. હોસ્પિટલોમાં અપાતી સેવાના કાળા બજાર ન થાય, બિમારીમાં સપડાઇને દવાખાને જતા દર્દીી અને તેમના પરિવારજનો છેતરાઇ અને લૂંટાઇ ન જાય તે માટે હોસ્પિટલોનું ફી નું ભાવ બાંધણું કરવાની સરકારની ફરજ પડી રહી છે. તે સમાજ માટે તો ભારરૂપ ગણાય જ પરંતુ તબીબી વ્યવસાયના મૂળભૂત સિધ્ધાંતો સાથે દ્રોહ ગણાય. ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે કેવી રીતે કોર્પોરેટ હોસ્પિટલો ચાલે છે, કેવી રીતે દર્દીઓ પાસેથી પૈસા પડાવાય છે.

અલબત્ત આ હકિકત અત્યારે સમાજમાં પણ વકરી ચૂકી છે. હોસ્પિટલોના ભાવ બાંધણાની પરિસ્થિતિ ઉભી થાય એ તબીબી વ્યવસાય માટે વિશ્ર્વાસનો ર્હાસ જ ગણાય જે માનવતા માટે કમનસીબી બની રહેશે. એવું નથી કે તબીબી જગતમાંથી માનવતા મરી પરવારી છે. હજુ અનેક તબીબો પોતાનો વ્યવસાય સેવાભાવના સાથે નિભાવી રહ્યાં છે પરંતુ દર્દીઓને કમાણીનું સાધન ગણનારી વૃતિ મહાપાપથી જરાપણ કમ ન ગણાય તે દરેક ડોક્ટરને સમજવું જોઇએ.