Abtak Media Google News

ધાર્મિક વિવાદોનો અંત ન્યાય તંત્રના ચુકાદાથી નહીં પરંતુ પરસ્પર સમજૂતીથી જ શક્ય !!

વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાન વાપી મસ્જિદની બહારની બાજુ શૃંગાર ગૌરીની પૂજા અર્ચના કરવાની પરવાનગી માગતી અરજી મામલે હિન્દૂ સમાજની માંગણી સ્વીકારી છે. પરંતુ જિલ્લા અદાલતનો આ નિર્ણય અંતિમ નિર્ણય નથી. હવે મુસ્લિમ સમુદાય ચોક્કસપણે જિલ્લા અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે. જો હાઇકોર્ટમાં મુસ્લિમ સમુદાયની જીત થાય તો હિન્દુ સમુદાય પણ પીછે હટ નહીં કરે અને હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જેથી આ ધાર્મિક વિવાદનો અંત ફક્ત કોર્ટના આદેશથી આવશે નહીં.કોટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો એક સમુદાય માટે જીત અને બીજા સમુદાય માટે હાર એ કાયદાકીય મુદ્દા આધારિત બાબત છે જ્યારે વિવાદ ધાર્મિક બાબતનો હોય ત્યારે હંમેશા કાયદાકીય ચુકાદાઓ બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ છે.

જ્યારે ધાર્મિક બાબતોમાં વિવાદ ઉદ્ભવે ત્યારે જો બે સમુદાય પરસ્પર બંને બાજુએ થોડું જતું કરીને સમજૂતી કરે તે ઉપાય સર્વશ્રેષ્ઠ છે. ઘણીવાર બિનસાંપ્રદાયિક નેતા અને બિનસાંપ્રદાયિક ઇતિહાસવિદો પણ આવી બાબતોમાં કોઈ ઠોસ ઉપાય શોધી શકતા નથી કેમ કે, ભૂતકાળમાં ક્યારેક તેમની ઉપર પણ સાંપ્રદાયિકતાની મોહર લાગી ચુકેલી હોય છે. જ્યારે આવા વિવાદનો પરસ્પર સંમતિથી ઉકેલ તરફ નજર કરીએ તે પૂર્વે અદાલતો દ્વારા અપાયેલા ચુકાદાની ટૂંકી રૂપરેખા સમજવી જરૂરી છે. શા માટે અદાલતે હિન્દૂ સમુદાયની માંગને સમર્થન આપ્યું તે જાણવું ખૂબ જરૂરી છે.

પ્રથમ બાબત એ છે કે, હિન્દૂ સમુદાય દ્વારા જે માંગ કરવામાં આવી હતી તેના લીધે માજિદની જગ્યામાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા ન હતી. ઉપરાંત હિન્દૂ સમાજની માંગ પ્લેસ ઓફ વર્ષીપ એક્ટ 1991નું ઉલ્લંઘન કરતું ન હતું. બીજી બબાત એ છે કે, આ માંગ વકફ અધિનિયમ, 1995 ની કલમ 85નું ઉલ્લંઘન કરતું નથી, જે નાગરિક અદાલતોને વકફ મિલકત સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પ્રતિબંધિત કરે છે. અને ત્રીજી બાબત એ છે કે, યુપી શ્રી કાશી વિશ્વનાથ મંદિર અધિનિયમ,1983 નું ઉલ્લંઘન કરતું નથી.હવે જે રીતે અદાલતે હિન્દૂ સમુદાયની અરજી ગ્રાહ્ય રાખી છે તેના લીધે અન્ય કોઈ અસર થતી નથી પરંતુ મુસ્લીમ સમુદાયની દ્રષ્ટિએ જોઈએ તો તેમનું સ્પષ્ટ માનવું છે કે, જે રીતે એકવાર ઊંટનું નાક તંબુમાં ઘુસ્યું તો ઊંટને બહાર કાઢવો અઘરો પડશે તેવી જ રીતે એકવાર જો હિન્દૂ સમાજ જ્ઞાનવાપી પરિસરમાં શૃંગાર ગૌરીની પૂજા અર્ચના કરવાનું શરૂ કરશે તો સતત હિન્દૂ સમુદાયની ત્યાં દખલગીરી વધતી જશે જેથી મુસ્લિમ સમુદાય શૃંગાર ગૌરીની પૂજા અર્ચના બહારની બાજુએ પણ કરવા દેવા માગતું નથી. બીજી બાજુ વુઝુ તળાવમાંથી શિવલિંગ મળી આવ્યા બાદ આ મામલો વધુ ગૂંચવાયો છે.

જ્યારે જ્ઞાનવાપી વિવાદ તેના પ્રારંભિક તબક્કામાં છે, ત્યારે આપણે શ્રી રામ જન્મભૂમિ કેસમાંથી એક વ્યાપક પાઠ શીખવાની જરૂર છે. ધાર્મિક વિવાદો અનંત સુધી રહી શકે છે અને નિરાકરણ પછી પણ તણાવ યથાવત રહી શકશે. જેનો સીધો અર્થ એવો છે કે સ્થાયી ઉકેલો કોર્ટની બહાર સમાધાન દ્વારા શોધવામાં આવે છે. 1940 ના દાયકાના અંતમાં શરૂ થયેલો રામ જન્મભૂમિ કાનૂની વિવાદનો અંત આવતા લગભગ સાત દાયકા જેટલો સમય લાગ્યો. હકીકત તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો  અદાલતો પણ આ પ્રકારના વિવાદમાં દખલ કરવા માંગતી નથી. અયોધ્યા કેસમાં વર્ષ 2017 માં જસ્ટિસ જે.એસ. ખેહર અને 2019 માં રંજન ગોગોઈએ પાંચ જજની બેન્ચ સાથે અનિચ્છાએ કેસનો નિર્ણય લેતા પહેલા બંને પક્ષે કોર્ટની બહાર સમાધાન કરી લેવાનું સુચન કર્યું હતું.  હિંદુ સમુદાય દ્વારા ચોક્કસ અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવ્યું પરંતુ હિંદુ-મુસ્લિમના સંબંધો પહેલા કરતા વધુ વણસી ગયા છે તે વાસ્તવિકતા છે. તેનો પુરાવો છે કે નવેમ્બર 2019 માં અયોધ્યા વિવાદનો “ઉકેલ” આવ્યો હતો પરંતુ તે પછી તરત જ કાશી અને મથુરા પર કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ હતી.

અમદાવાદનાજામા મસ્જિદનો પણ ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. હિન્દુ સમુદાય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મંદિરના ખંઢેર પર મસ્જિદ બાંધવામાં આવી હતી. કર્ણાટકમાં પણ ગુતું દત્તાત્રેય પીઠ અને બાબા બુધાગીરી દરગાહનો પણ વિવાદ વકર્યો છે. હવે જો વાસ્તવિક ઉકેલ સમુદાય-આધારિત રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક વાટાઘાટો-સમાધાનો આધારીત છે તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે, પ્રથમ પહેલ કોણ કરશે? કારણ કે, વોટબેંક માટે સમાજનું તેંજ બૌદ્ધિક વર્ગનું પણ ધ્રુવીકરણ કરવામાં આવ્યું છે.

એક કામચલાઉ જવાબ એવો હોઈ શકે છે કે, સંઘ પરિવાર, મુસ્લિમ ધાર્મિક સંગઠનો અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો અને બંને સમુદાયોના આગેવાનો દ્વારા આ શરૂઆત કરી શકાય છે. જો કે, તેમાં  ચેતવણીરૂપ બાબત એ છે કે, ન્યાયાધીશો અને સનદી અધિકારીઓ નિવૃત્તિ પછીના રાજકીય જોડાણોથી કલંકિત ન હોવા જોઈએ. જો રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલો આ પ્રકારનો સંવાદ પ્રગતિ કરે તો કોમી વિવાદના લીધે વધેલા તાપમાનને ઠંડું પાડી શકાશે અને આંતર-સમુદાયિક સંબંધો સુધારવા માટે એજન્ડા સેટ કરી શકાશે. હાલ જે રીતે દેશની અંદર જ વિવાદ ઉભો થઇ રહ્યા છે તેના લીધે આગામી સમયમાં ભારતનું આર્થિક મહાસતા સહિતનું લક્ષ્યાંક પણ જોખમમાં મુકાઈ રહ્યું છે. કેમ કે, કોઈપણ દેશની પ્રજા જ અંદરોઅંદર યુદ્ધ ખેલતો હોય તો તેની આર્થિક ક્ષમતાઓનો મહત્તમ સ્તરે વિકાસ થઈ શકતો નથી.

  • જે દેશ આંતરિક બાબતોમાં ગુંચવાયેલો રહે તે આર્થિક પ્રગતિ કેવી રીતે કરી શકે ?

જો રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલો આ પ્રકારનો સંવાદ પ્રગતિ કરે તો કોમી વિવાદના લીધે વધેલા તાપમાનને ઠંડું પાડી શકાશે અને આંતર-સમુદાયિક સંબંધો સુધારવા માટે એજન્ડા સેટ કરી શકાશે. હાલ જે રીતે દેશની અંદર જ વિવાદ ઉભો થઇ રહ્યા છે તેના લીધે આગામી સમયમાં ભારતનું આર્થિક મહાસતા સહિતનું લક્ષ્યાંક પણ જોખમમાં મુકાઈ રહ્યું છે. કેમ કે, કોઈપણ દેશની પ્રજા જ અંદરોઅંદર યુદ્ધ ખેલતો હોય તો તેની આર્થિક ક્ષમતાઓનો મહત્તમ સ્તરે વિકાસ થઈ શકતો નથી.

  • દોષરહિત, પ્રામાણિક અને વિશ્ર્વસનીય સમાધાન પંચની સ્થાપના કરવી જરૂરી

આ પ્રકારના વિવાદ ન ઉદ્ભવે તેમજ ઉદભવે તો તેનું સુખદ સમાધાન થાય તેના માટે સત્યને આધીન સમાધાન પંચની સ્થાપના કરવામાં આવે. આ પંચનું સંચાલન ન્યાયાધીશો અથવા દોષરહિત, પ્રામાણિક અને વિશ્વસનીયતાના જાહેર ક્ષેત્રના બૌદ્ધિકો દ્વારા કરવામાં આવે છે. આ પંચને વિશ્વાસમાં લઈ સચોટ અને કાયમી ઇતિહાસના પુસ્તકો બનાવવામાં આવે.

  • આંતર સામુદાયિક મુદ્દાઓ સાથે વ્યવહાર કરવા અંગે ન્યાયિક સર્વસંમતિ હોવી અતિ આવશ્યક

બીજું એ કરવાની જરૂરિયાત છે કે, આંતર-સમુદાયિક મુદ્દાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે ન્યાયિક સર્વસંમતિ હોવી જોઈએ. પછી તે મુદ્દામાં ભલે ટ્રિપલ તલાક હોય કે સબરીમાલા હોય.  આવશ્યક પ્રથા શું છે? બિનસાંપ્રદાયિક શું છે? અને મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે કે કેમ? તે નક્કી કરવા માટે બંધારણ ધાર્મિક બાબતોમાં ક્યાં સુધી હસ્તક્ષેપ કરશે? આ બાબતોએ સ્પષ્ટતા કરવાની જરૂરિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.