Abtak Media Google News

આ તો કેવી વિચિત્ર ઘટના કહેવાય ધારાસભ્યને પ્રશ્ન પૂછે તો તેની સામે એફઆઈઆર?: હાઇકોર્ટે સરકારી બાબુની ઝાટકણી કાઢી

ગોધરામાં પી.કે.ચારણ નામના એક વ્યક્તિએ પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓના નિકાલ માટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફોન કરી ધમકી આપી હતી તે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેને પગલે એસડીએમએ તેને આસપાસના જિલ્લા અને શહેરમાંથી તડીપાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, એસડીએમ મનમાની કરી શકે નહીં, દેશમાં લોકશાહી છે.

પી.કે. ચારણ નામના આ શખ્સે ધારાસભ્યને ધમકી આપી હતી કે, અમારા મતોથી તમે ચૂંટણી જીતો છો. અમે જે કામો કહીએ તે કામો થવા જોઇએ, નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં, ક્યારેક પતાવી દઇશું. આ ઉપરાંત અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ ધમકીને પગલે ધારાસભ્યના દીકરા માલવદીપસિંહ ચંદ્રસિંહ રાઉલે ધમકી આપનારા શખ્સ પી.કે. ચારણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને જ્યારે મામલો ત્યાંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે પહોંચ્યો ત્યારે તેમણે આ વ્યક્તિને ૨ વર્ષ માટે તેને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા શહેર અને ગ્રામ્ય, આણંદ અને ખેડા જિલ્લામાંથી તડીપાર કર્યો. જેથી પી.કે.ચારણે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટેના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે આજે હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં અરજદારની રજુઆત બાદ હાઇકોર્ટે કહ્યું કે આ ચલાવી ન લેવાય. આ દેશમાં લોકશાહી છે. આ રીતે એસડીએમમનમાની ન કરી શકે. શું સામાન્ય નાગરિકને તેના જન પ્રતિનિધિને પોતાના વિસ્તારની સમસ્યા વિશે પૂછવાનો અધિકાર નથી?

હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, આપણે રજવાડા નથી ચલાવવાના. આ એસડીએમની દાદાગીરી સહન ન કરી લેવાય તેને બદલવો જ પડે. સાથે પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે ઘૂંટણીયે પડી ગયું છે. લોકોને પ્રશ્ન પૂછવાનો પણ હક્ક નથી. શું આ લોકશાહી છે. આ તો કેવી વિચિત્ર ઘટના કહેવાય ધારાસભ્યને પ્રશ્ન પૂછે તો તેની સામે એફઆઈઆર? ધારાસભ્યએ આ બાબતે જવાબ આપવો પડશે કે આ કર્યું એ બરાબર છે અથવા આ તેને પ્રજાની વાત સાંભળવાની જવાબદારી છે તે કહેવું પડશે.

આ મામલે હાઇકોર્ટે ધારાસભ્ય સી.કે.રાઉલજીને પોતાનો પક્ષ રજૂ કરવા ૧૩ તારીખે કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યા છે.

તડીપારનો હુકમ ત્રણ એફઆઇઆરના આધારે કરાયો છે.તેમાથી એક એફઆઇઆર ૨૦૧૭ની છે અને બીજી ૨૦૧૯ના વર્ષની છે. જે પ્રમાણમાં ઘણી જુની કહેવાય.ગોધરાના એસડીએમના તડીપારના હુકમ માટે જે એફઆઇઆર નિમિત્ત બની છે તે ૧૪ જુન, ૨૦૨૧ના સીઆર નંબર ૫૨૫ થી ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. આ અંગે એવી રજુઆત કરાઇ છે કે આ એફઆઇઆર ગોધરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સી કે રાઉલજીના પુત્ર માલવદિપસિંહની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. આ એફઆઇઆરનો સાર જેના આધારે તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે તેને કોર્ટે ધ્યાને લીધો છે.

એક નાગરિકે એવી ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય લોકોના કામ કેમ કરતા નથી? આ ફરિયાદ સમયે બોલાચાલી થઇ હતી. આ મુદ્દાને મેરિટ પ્રમાણે જોવા જઇએ તો એક નાગરિકે વ્યકત કરેલા અસંતોષના પરિણામે સદરહુ ધારાસભ્યના દિકરાની લેખિત ફરિયાદ પરથી આ નાગરિક સામે એફઆઇઆર નોંધવામાં આવી અને નાયબ કલેકટર પોતાને મળેલી સત્તાની ઉપરવટ જઇને ધારાસભ્યના દિકરાને મહેરબાન થઇ ગયા. નાયબ કલેકટરે આ નાગરિકને તડીપારનો હુકમ કર્યો હતો. નાગરિકોના સ્થાનિક ધારાસભ્યો સામેના અસંતોષને આ રીતે તોળવામાં આવતો હોય તો નાગરિકોને સંરક્ષણની જરૂર પડે તેમા નવાઇ નથી. કોર્ટ ધારાસભ્યને પણ એવો સવાલ પુછે છે કે શું તેઓ આ પ્રકારના હુકમને સમર્થન આપે છે?

ગુજરાત પોલિસ એક્ટ,૧૯૫૧ ની કલમ ૫૬(બી) હેઠળ નાયબ કલેકટરે કરેલા હુકમ પર હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. સી.કે રાઓલજી અને નાયબ કલેકટરને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.