Abtak Media Google News

જૂનાગઢ જિલ્લા પોલીસ ડોગ સ્ક્વોડના ડોગ રેખા ઘણા સમયથી મોઢાના ટ્યુમર કેન્સરની બીમારી સબબ સારવારમા હોઈ, ગઈકાલે તેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શોક સલામી આપી, જરૂરી સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસમાં સને ૨૦૧૦ ની સાલથી કાર્યરત ડોગ રેખાને ઘણા સમયથી મોઢાના ટ્યુમર કેન્સરની હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા સારવાર પણ કરાવવામાં આવી રહી હતી. આ સારવાર દરમિયાન તેની ત્રણ ત્રણ વખત સર્જરી પણ કરવામાં આવી હતી. જેનું ગઇકાલે અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આરએસઆઈ પીયૂષ જોશી, ડોગ હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ, રવજીભાઈ હુણ, સહિતના અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં શોક સલામી આપી, સન્માન સાથે દફનવિધિ કરી, વિદાય આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે ડોગ રેખાનું દાન કરનાર દીપકભાઈ પરમાર તથા શ્વાન પ્રેમીઓ ખાસ હાજર રહ્યા હતા. પોલીસ ખાતામાંથી ડોગ રેખાના અવસાન થતાં, પોલીસ સ્ટાફ અને હાજર લોકો ભાવ વિભોર થયા હતા.

જૂનાગઢ જિલ્લા પોલીસમાં ડોગ રેખા સને ૨૦૧૦ થી કાર્યરત હતી, અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી. ભૂતકાળમાં એક વર્ષ પહેલા સાપરપુલ નીચેથી ડિટોનેટર વાયર પકડી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવેલ હતી. ઉપરાંત અવાર નવાર વીઆઇપી બંદોબસ્તમાં એક્સપલોજીવ ચેકીંગની અગત્યની કામગીરી કરવામા આવેલ હતી. ઉપરાંત જ્યારે જ્યારે બીડીએસ દ્વારા કોઈ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવતી, ત્યારે અવસાન પામેલ ડોગ રેખા દ્વારા લીલી પરિક્રમા, શિવરાત્રી, દરમિયાન પણ અગત્યની ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.