Abtak Media Google News

ડોલર બોલતા હૈ અને રૂપિયા ડોલતા હૈ..! છેલ્લા એક દાયકાથી ભારતીય અર્થતંત્રમાં દર વર્ષે આ ઘટના વર્ષમાં  એક કે બે વાર જોવા મળે છે. જેમાં રૂપિયો અચાનક ડોલરની સામે ઘટવા માંડે છૈ અને ક્યારેક નવું ઐતિહાસિક તળિયું દેખાડે છે. બેશક ઇકોનોમી માટે અને ફૂગાવા માટે આ એક ચિંતાનો વિષય છે. પણ સાથે જ આ મુદ્દો રડારોળ કરવાનો કે પોક મુકીને કૂટવા જેવો નથી. ડોલર સામે રૂપિયો નબળો પડે એટલે આયાત મોંઘી પડે, ક્રુડતેલની પડતર મોંઘી થતાં મોંઘવારી વધે અને નાણાકિય ખાધ પણ વધી શકે છે. આયાતકારોને ડોલર ખરીદવા માટે વદારે રૂપિયા આપવા પડે તથા વિદેશી લોનનાં વ્યાજદરમાં પણ વધારો થતો હોય છે.  પરંતુ જો ભારતની નિકાસ પણ વધતી હોય તો આપણા નિકાસકારોને લાભ પણ થતો હોય છે.

આંકડા જોઇએ તો 2021 માં ભારતની નિકાસ 660.50 અબજ ડોલરે પહોંચી હતી. જે 2020 ની 499.10 અબજ ડોલરની નિકાસ કરતા 32.34 ટકા જેટલી વધારે ગણી શકાય. જો કે 2019 માં ભારતની નિકાસ 529.24 અબજ ડોલરની હતી. આમ 2019 ની સરખામણીએ 2020 માં ભારતની નિકાસ 5.7 ટકા જેટલી ઘટી હતી. યાદ રહે કે આ સમયે કોવિડ-19 ની અસર ચરમ સીમાએ હતી.

સામાપક્ષે 2021 માં ભારતની આયાત 725.55 અબજ ડોલરની હતી જે 2020 માં 509. 43 અબજ ડોલરની આયાત કરતા 42.42 ટકા જેટલી વધારે છે. 2019 માં ભારતે 602.31 અબજ ડોલરની આયાત કરી હતી. આમ 2020 માં ભારતની આયાત પણ 2019 ની આયાત કરતા 15.42 ટકા જેટલી ઘટી હતી. અહીં પણ કોવિડ-19 અને લોકડાઉનની અસર કહી શકાય કારણ કે વાહન વ્યવહાર સદંતર બંધ થવાને કારણે આપણી ક્રુડતેલની આયાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

અહીં એક નિષ્કર્ષ ઉપર આવી શકાય કે જ્યારે આપણી આયાત 15.42 ટકા ઘટી અને નિકાસ 5.7 ટકા જેટલી ઘટી ત્યારે જો રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હોય તો એમાં ભારતીય ઇકોનોમીને વિશેષ નુકસાન નથી.  ખેર તેના સાચા પરિણામો તો લાંબાગાળે જ જાણવા મળતા હોય છે.

હાલમાં એક ડોલરની કિંમત 81 રૂપિયાથી વધારે થઇ ગઇ છે. રુપિયાનાં પતન છતાં રિઝર્વ બેંક કોઇ જ મધ્યસ્થી કરતી નથી.બાકી હોય તો અમેરિકન ફેડરલ બેંક સતત વ્યાજદર વધારી રહી છે. આ એક એવા સંકેત છે કે હવે ફેડરલ બેંક કદાચ લાંબાગાળા માટે ઉંચા વ્યાજ દર યથાવત રાખશે. હાલનાં સંજોગોમાં રિઝર્વ બેંક રૂપિયાને બચાવવા વચ્ચે કુદી શકે તેમ નથી કારણ કે ભારતીય બેંકિંગ માળખામાં પણ લિક્વીડીટી નથી.એકંદરે માળખું ખાધમાં ચાલે છે.  સ્થાનિક સ્તરે પણ વ્યાજદર વધી રહ્યા છે. આ એક એવા સંકેત છે કે સ્થાનિક સ્તરે આગામી સપ્તાહે રિઝર્વ બેંકની મોનીટરી પોલીસીમાં પણ કદાચ વ્યાજદરનો વધારો આવી શકે છે.

ફેડરલ બેંકનાં નિર્ણય બાદ હાલમાં ભારત જ નહીં વૈશ્વિક મંચ ઉપર ફોરેક્ષ માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. તમામ કરન્સી ડોળર સામે નબળી પડી છે. આ જોઇને ફેડરલ બેંક હવે અમેરિકાનાં અર્થતંત્રને બચાવવા વધારે આક્રમક થાય તો ભારતે સાવચેત રહેવું પડે.  આવા સંજોગોમાં આપણે એક ડોલર ખરીદવા માટે 82 રુપિયા આપવા પડે તો પણ નવાઇ નહીં.યાદ રહે કે ભારત પોતાનાં જી.ડી.પી. ના 20.96 ટકા જેટલી આયાત ધરાવે છે. દેશમાં વપરાતા કુલ ક્રુડતેલના 80 ટકા જેટલી અને દેશમાં વપરાતા કુલ ગેસના 50 ટકા જેટલી આયાત થાય છે. આ બે સેક્ટરમાં તમે જેટલો કાપ મુકી શકો અટલો ભારતનો ફાયદો છે. આ ઉપરાંત એશિયન દેશો તથા રશિયા અને ઇરાન જેવા દેશો સાથે થઇ રહેલા સીધા રૂપિયાનાં વ્યવહારો પણ ડોલરની ભીંસ માંથી મુક્તિ આપી શકે છે. મતલબ કે જો ભારત અન્ય દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરે તો આપણે કોઇ ચિંતા કરવાની જરૂર જ નથી. આમેય તે એશિયન દેશોમાં તો આપણો રુપિયો સર્વોપરી જ હતો, છૈ અને રહેશે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.