દયા કરતાં પણ દાન ચડિયાતું..? દાન અંગે અદ્ભુત માહિતી આપતા પૂ.ધીરજમૂનિ અને પૂ.ધીરગૂરૂદેવ

‘દાન’એ સંપત્તિનું વાવેતર અને માનવતાનો શણગાર

અબતક, રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના આજે ચોથા દિવસે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગરદરબાર’માં દાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ પ્રવચન ધારામાં પરમ શ્રધ્ધેય પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ મહારાજ સાહેબે જણાવ્યું હતુ કે પરમને પામવાનું પાથેય એટલે પર્યુષણ, અભય અને અનુકંપાનું પર્વ એટલે પર્યુષણ, જીવોને અભયદાન આપવું અને ઘર-પરિવારમાં અનુકંપા રાખવી કોઈપણને અભાવો ન થાય તે તકેદારી રાખવી જરૂરી છે. આજે ફોર્માલીટી છે. પરંતુ રીયાલીટી નથી. આપણા સંબંધો ડાયાલીસીસ પર ચાલતા હોવાનું પણ જણાવ્યું છે. અને સ્વાર્થ એ દુ:ખનું કારણ છે તેમજ દાન શુ છે? તે અંગેની વિસ્તૃત છણાવટ કરી હતી.

પૂ. ધીરગૂરૂદેવએ કહ્યું હતુ કે, ‘દાન’ એ સંપતિનું વાવેતર છે. જેમકે ખેડૂત ખેતરમાં એક દાણો વાવે જેના અનેક દાણા થાય છે. તેમજ મૂઠીએક લોટમાં હજારો કીડીઓ તૃપ્ત થાય છે. જેથી દાન ધર્મ ભવોભવની દરિદ્રતાનો નાશ કરે છે. વધુમાં ‘દાન’ અંગે જણાવ્યું હતુ કે દાનએ માનવનો શણગાર છે. સામાન્ય રીતે જોઈએ તો દયા કરતા દાન ચડીયાતુ છે. એક કીલો દયા કરતા 10 ગ્રામ કરેલુ દાન શ્રેષ્ઠ છે. દાન એ પરિગ્રહ રૂપી રોગની દવા છે. અને ‘આપે તે પાપને કાપે’ જેથી શું આપીએ તે મહત્વનું નથી પરંતુ આપીએ તેનો ભાવ અગત્યનો છે. જેથી દાન આપવાનો ભાવ જાગૃત થાય તે પણ શ્રેષ્ઠ છે અને તેમાં પણ જ્ઞાન રૂપી ગૂરૂદેવનો ભેટો થઈ જાય તો બેડો પાર થઈ જાય.

દાન-ધર્મ ભવોભવની દરિદ્રતાનો નાશ કરે છે: પૂ.ધીરજમૂનિ મ.સા.

દાન અંગે દ્રષ્ટાંત આપતા પૂ. ધીરગૂરૂદેવે જણાવ્યું હતુ કે કરોડોપતિ શેઠના બંગલામાં એક ભીક્ષુક બાળક પહોચી ગયો અને કહ્યું કે શેઠ ત્રણ દિવસનો ભૂખ્યો છું કંઈક જમવાનું આપોને? શેઠે કહ્યું શેઠાણી, બહાર ગયા છે. જેથી કંઈ ખાવાનું નથી ભીક્ષુક બાળકે કહ્યું એક રૂપિયો આપોને હું બહારથી બીસ્કીટ લઈ અને ખાઈ લઈશ. શેઠે કહ્યું, પૈસા નથી છેલ્લે ભીક્ષુક બાળકે કહ્યું શેઠ આપ બેઠા છો. ત્યાં નીચેથી ધૂળ આપશો? શેઠે કહ્યું એમાં તારૂ શું વળશે? ત્યારે ભિક્ષુક બાળકે કહ્યું શેઠ મારૂ કંઈ વળે કે ન વળે પરંતુ આપનો ‘દાન’ આપવા માટે હાથ તો વળશે…! આ સાંભળી શેઠને જ્ઞાન થયું ત્યારબાદ કરોડોનું દાન ભાવથી ભર્યું અને મળ્યું છે તે મારૂ નથી અને જે મળ્યું છે તે પૂણ્યના ઉદયથી જ મળ્યું છે.જેથી દાન આપવાનો ભાવ કેળવવો જરૂરી છે. તેઓએ એમ કહ્યું હતુ કે મળેલ પ્રભાવનાની ભાવ સાથે અદલા-બદલી કરવાથી પણ પૂણ્ય બંધાય છે.

પૂ. ધીરગૂરૂદેવે પ્રવચન ધારામાં શ્રાવકોનેકહ્યું હતુ કે પર્યુષણ તમને સાત પ્રશ્ર્નો પુછે છે. કે તમને શું ગમે મહાવીર, મની કે મોબાઈલ? પ્રભુ-પૈસા કે પ્રતિષ્ઠ ?, સંસાર-સંયમ કે સિધ્ધિ ?, ઉપાશ્રય-ઘર કે દુકાન ?, સ્વજન-સંબંધી કે સગાવ્હાલા ?, સ્વજન-સંબંધી કે સ્વાધર્મિક ?, જયારે સ્વધર્મિક અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, દાન સામાવાળાની ઈચ્છા પ્રમાણે આપવું જોઈએ અને તેનું ફળ મળે છે. તેમાં પરિગ્રહ ત્યાગનો લાભ મળે છે.

દયા કરતા ‘દાન’ ચડીયાતુ, આપે તે પાપને કાપે, ‘દાન’એ પરિગ્રહ રૂપી રોગની દવા છે: પૂ.ધીરગૂરૂદેવ

ખરેખર તો પ્રભુની આજ્ઞા ગમશે તો જ પ્રભુ પણ ગમશે. સંયમ વિના સુખ-સંપતિ ટકતી નથી તેમ દાન વીના સુખ-સંપતિલ રહેતી નથી જેમ શરીરના ઉપયોગથી માણસ મજબુત બને અને મગજના ઉપયોગથી માણસની સમજણ મજબુત બને છે. ઉપરાંત બજારમાં જીવવા બુધ્ધિ પ્રધાન બનવું જરૂરી છે. અને ઘર પરિવારમાં જીવવા માટે લાગણી પ્રધાન બનવું જોઈએ. ધર્મક્ષેત્રમાં જીવવા નમ્ર બનવું જોઈએ.

સંપતિના ત્રણ ઉપયોગ થાય છે. તેમાં વેડફવું, વાપરવું અને વાવવું અને સંપતિનો નિયમ છે. જે કાયમ માટે રહેતીનથી પરંતુ સમયસર કરવામાં આવેલા દાન અંગે જણાવતા પૂ. ધીરગૂરૂદેવે કહ્યું કે કયારેક અબજોનું કરેલુ દાન કરતા એક રૂપિયાનું કરેલુ દાનનું ફળ મોટુ હોય છે.

પૂ.ધીરગુરૂદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ

પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરૂદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા

તા. 4-9-2021 થી

તા. 11-9-2021 દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે 6:00 થી 7:30 કલાક સુધી નિહાળી શકાશે.

જીવંત પ્રસારણ જોવા માટે…

 ‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. 561

 ડેન નંબર 567

સેવન સ્ટાર (મુંબઇ) 540

રીયલ જીટીપીએલ 350

ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

તપધર્મ એ કર્મને કાપે, ભાવધર્મ ભાવને વિશુધ્ધ બનાવી ભગવાન બનાવે જેથી, ભાવ સારો રાખવો, ભાવને સૂધારવો જેનો ‘ભાવ’ બગડે તેના ‘ભવ’માં વધારો થાય છે.જયારે ‘દાન’નાં પ્રભાવથી પૂણ્ય બંધાય છે. યશ-કિર્તી મળે છે. અને દાનના પ્રતાપે મનમાં વિચારેલા કાર્યો સફળ થાય છે. જોકે વિવિધ દાન જેમાં ઉચીતદાન, વ્યવહારદાન, અન્નદાન, ક્ષમાદાન, પ્રેમદાન, ભાઈચારા દાન જેમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ છે.

ધીરગુરૂદેવની નિશ્રામાં મહાવીરશાસન ફેરી

ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે પૂ.ધીરગૂરૂદેવની નિશ્રામા તા.8ને બુધવારે સવારે 8.45કલાકે હસમુખ ભાઈ માવજીભાઈ મહેતા પ્રેરિત જયજિનેન્દ્ર આરાધના ભવન જનકલ્યાણ સોસાયટી ખાતેથી સ્થવીરા પૂ. શાંતાબાઈ મ.સ.ના મંગલપાઠ બાદ જીતુભાઈ બેનાણી, ઈન્દુભાઈ બદાણી અને રંજનબેન પટેલ, ઉષાબેન શાહની નેતૃત્વમાં મહાવીર શાસન ફેરીનો પ્રારંભ થશે જે જનકલ્યાણ હોલમાં ફેરવાયા બાદ ડુંગર દરબાર માં મહાવીર જન્મ વાંચન અને 14 સ્વપ્ન અર્પણ વિધિ કરાશે.જ્ઞાનવર્ધક જૈન રામાયણ, વ્યાખ્યાન સંગ્રહની લોકાર્પણ વિધિ જીતુભાઈ બેનાણી, ભાવેશ દામાણી, નિકુંજ શેઠ,, મહેશ કોઠારી, મોનીલ મહેતા, રૂપલ નીતિન કામદારના હસ્તે કરવામાં આવી હતી.