લોનની લાલચમાં પડશો નહીં હપ્તાય “મોંઘા” પડી જશે!!

મોબાઈલ એપથી ઈન્સ્ટન્ટ લોનના નામે વ્યાજના આતંકવાદ સામે આરબીઆઈ સતર્ક

જરૂરિયાતમંદોને ૩૫ ટકાના તોતિંગ વ્યાજે લોન આપી ખંખેરી લેવાનું કારસ્તાન

જરૂરિયાતમંદોને તોતિંગ વ્યાજે લોન આપી ખંખેરી લેવાનું કારસ્તાન પકડાયું છે. લોનની લાલચમાં પડેલા કરોડો લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ હૈદરાબાદ અને ગુરગાવમાં પોલીસે પાડેલા દરોડા બાદ પ્રકાશમાં આવ્યું હતું ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી કે, પ્લેસ્ટોર અને ઈન્ટરનેટ ઉપર કેટલીક મોબાઇલ એપ્લિકેશનનો છે જેઓ માત્ર થોડા ડોક્યુમેન્ટના આધારે લોકોને લોન આપે છે. અલબત્ત, લોન આપ્યા બાદ ઊંચા વ્યાજ વસૂલવામાં આવે છે ક્યારેક હપ્તો નહી ભરી શકનાર વ્યક્તિને આવી બેંક ધમકી આપે છે અથવા તો બ્લેકમેલ પણ કરતી હોવાનો ધડાકો થયો છે.

તાજેતરમાં પોલીસે કોલ સેન્ટરમાં દરોડા પાડયા હતા જ્યાંથી હજારો યુવકો મળી આવ્યા હતા જેઓને લોકોને કેવી રીતે લોનમાં ફસાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ કઈ રીતે કડક રિકવરી કરવી તે પણ શીખવાડવામાં આવ્યું હતું એક કોલ સેન્ટરમાં તો એક હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા જેમાંથી મોટાભાગના કર્મચારીઓ હજુ કોલેજનો અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે આવા યુવાનોને ૧૦ થી ૧૫ હજાર પગાર આપી કૌભાંડનો ભાગ બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં દેશના કેટલાંક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી છે થોડા સમય પહેલા જ પોલીસે ચાઈનીઝ પાસપોર્ટ ધરાવતી એક મહિલાને ગુરગાંવ નજીકથી ઝડપી પાડી હતી. આવી જ રીતે ઇન્ડોનેશિયાના એક નાગરિકની પણ ધરપકડ થઈ હતી આ તમામ લોકો બેન્કિંગ ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. દિલ્હી ગાજિયાબાદ નાગપુર મુંબઈ અને બેંગ્લોરમાં કૌભાંડ આચરવામાં આવ્યા હતા. દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા કૌભાંડને લઈને સતર્કતા દાખવવાની સલાહ આપી છે. લોનની લાલચમાં વર્ષે દહાડે લાખો લોકો ફસાઈ જાય છે. જોયા જાણ્યા વગર ડોક્યુમેન્ટ આપી દેવા અથવા તો કરાર કરી લેવાની ભૂલ યુવાનો કરી બેસે છે. છેલ્લા પાંચ વર્ષથી ઇન્સ્ટન્ટ લોન આપવાની એપ્લિકેશનનો રાફડો ફાટયો છેમ થોડા સમય પહેલા જ આવી લોન ન ભરી શકનાર વ્યક્તિને ધમકી આપવી, વ્યક્તિના મોબાઈલના કોન્ટેક્ટ માં કોલ કરીને તેને બદનામ કરવા સહિતના પેંતરા કંપનીઓ દ્વારા થયા હતા. આત્મહત્યાના બનાવો સામે આવ્યા બાદ તંત્ર વધુ સજાગ બન્યા છે.