Abtak Media Google News

મૂળે વડોદરા નજીક શિનોર તાલુકાના મોટા ફોફળિયાના  અને હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના તબીબ ડો.કિરણ પટેલ અને તેમના પત્ની ડો.પલ્લવી પટેલે ફ્લોરિડાના માયામી શહેર નજીક ફોર્ટ લાઉડરડેલ સ્થિત નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટીને 20 કરોડ ડોલરનુ (લગભગ 1300 કરોડ રપિયા)દાન આપ્યુ છે. જેમાંથી  આગામી વર્ષોમાં મોટા ફોફળિયાની પાસે એક મેડિકલ કોલેજ પણ બનાવવાની યોજના છે. દાનની રકમમાંથી મોટા ફોફળિયા નજીક 40 હેક્ટર જમીનમાં એક મેડિકલ કોલેજ પણ શરૃ કરાશે, ભારતના તબીબોને નોવા યુનિ.માં તાલીમની પણ તક મળશે. નોવા યુનિવર્સિટીમાં યોજાએલા એક સમારોહમાં પટેલ દંપતિનુ ડોનેશન આપવા બદલ સન્માન  કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડો.કિરણ પટેલનુ કહેવુ હતુ કે મેડિકલ કોલેજ માટે નોવા  યુનિવર્સિટીની મદદથી મોટા ફોફળિયા નજીક 40 હેક્ટર જમીનમાં 700 બેડની હોસ્પિટલ સાથેનુ કેમ્પસ ઉભુ કરવામાં આવશે. આ મેડિકલ કોલેજમાં અમેરિકન અધ્યાપકો પણ ભણવાશે અને ભારતના અધ્યાપકોને પણ તાલીમ લેવા માટે નોવા યુનિવર્સિટીમાં બોલાવાશે.જેથી તેઓ પાછા જઈને અમેરિકન શિક્ષણ પધ્ધતિથી ભારતમાં ભણાવી શકે.આ મેડિકલ કોલેજમાંથી દર વર્ષે 300 જેટલા વિદ્યાર્થીઓને મેડિકલની ડિગ્રી મળશે. આ જ કોલેજ કેમ્પસમાંથી મેડિકલની સાથે સાથે આર્ટસ અને સાયન્સના ડિગ્રી કોર્સ શરૃ કરવાની પણ ડો.કિરણ પટેલની યોજના છે.ડો.કિરણ પટેલે આપેલા દાનમાંથી અમેરિકા સ્થિત નોવા યુનિવર્સિટીમાં મેડિકલ એજ્યુકેશન કોમ્પ્લક્સ બનવાનુ છે. જેમાં નવી મેડિકલ અને હેલ્થકેર સાયન્સ કોલેજ શરૂ કરાશે.આ બે કોલેજોને ડો.કિરણ પટેલ અને પલ્લવી પટેલનુ નામ અપાશે.ઉલ્લેખનીય છે કે ડો.કિરણ પટેલનો પરિવાર ઝામ્બિયામાં સ્થાયી થયો હતો. ઝામ્બિયામાં જન્મેલા ડો.કિરણ પટેલે ભારતમાં શિક્ષણ લીધુ હતુ. તેમના પત્ની ડો.પલ્લવી પટેલ પિડિયાટ્રીશિયન છે.હાલમાં મોટા ફોફળિયામાં ડો.કિરણ પટેલના ડોનેશનથી અંગ્રેજી સ્કૂલ સહિતની વિવિધ સુવિધાઓ ગ્રામજનો  માટે ઉભી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.