આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું જે 2014 પહેલા ફક્ત 17 લાખ કરોડનું હતું, આ બજેટ એકવર્ષનોરોડમેપ અને લાંબાગાળાના વિકાસનું વિભાજન કરનારૂં, 2047ના વિકસિત ભારતના રોડ મેપનું નિર્માણ કરનારૂ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સર્કિટ હાઉસ ખાતે બજેટ વિશેષ વિસ્તૃત માહિતી આપી
પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવિયા આજે રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે તેમણે ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્રીય બજેટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ દરમિયાન તેમની સાથે રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સર્કિટ હાઉસ ખાતે ‘ચાય પે ચર્ચા’ દરમિયાન કેન્દ્રીય બજેટ વિશે વિસ્તૃત માહિતી આપતા કેબિનેટ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે બજેટમાં એક વર્ષનો રોડમેપ અને લાંબાગાળાના વિકાસનું વિભાજન કરવામાં આવ્યું છે. આ બજેટ 50 લાખ કરોડનું વિકસિત ભારતના નિર્માણ ઘડનારૂં બજેટ છે. જ્યારે હું મંત્રી પદે આવ્યો ત્યારે 2014નું બજેટ 17 લાખ કરોડ રૂપિયા હતું અને આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા જેટલું થયું છે. 2014ના બજેટને ખાસ વિઝન આપવામાં આવ્યું હતું. 2014 પહેલા બજેટમાં જે પણ વાતો થતી હતી પરંતુ તેનો અમલ થતો ન હતો. ત્યારે હાલનું 2024/2025નું બજેટ, એક વર્ષનું રોડમેપ તેમજ 2047ના આઝાદીનું જ્યારે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું હતું તે વિકસિત ભારતનું બજેટ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિકસિત દેશ ત્યારે જ બને જ્યારે કોમ્યુનિકેશન, એજ્યુકેશન, રિસર્ચ અને એક્સપ્લોરન્સ ખાસ મહત્વ આપવામાં આવે. તે માટે ભારતનું એકસ્પો અને ભારતનો પાસપોર્ટ વધુ મજબૂત બનાવવામાં આવશે અને 2047 સુધીમાં ભારત વિકસિત દેશોની યાદીમાં રહેશે. ખાસ તો આ બજેટમાં 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં ચાર કરોડ જોબ માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. દેશની 500 પ્રિમિયમ કંપનીમાં એક વર્ષ સુધી યુવા પ્રતિભાઓને ઇન્ટર્નશીપનો લાભ મળશે. જેને કારણે આપણા યુવાઓ અન્ય મોટી કંપનીઓમાં જોડાશે અને તેને લાભ મળશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બજેટમાં 12 લાખ સુધીની આવક ધરાવનારાઓને ટેક્સમાંથી મુક્તિ મળી છે. જેને લઇ મધ્યમવર્ગને ખૂબ જ ફાયદો થશે અને તેઓના નાણા બચશે અને તેમાંથી તેઓ ખર્ચ કરશે. ખર્ચ કરશે તો ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે તો અનેક તકો ઉભો થશે અને તેનાથી દેશની ઇકોનોમીમાં પણ વધારો થશે. હાલ ભારત એકદમ પ્લાન સાથે આગળ વધી રહ્યો છે. દેશ બદલી રહ્યો છે. નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે અને વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ત્રીજી ટર્મ ત્રણ ગણી ગતિથી આગળ વધી રહી છે અને વિકસિત ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.
2036 ઓલમ્પિક માટે ગુજરાત સજ્જ
મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિને પત્ર દ્વારા 2036 ઓલમ્પિકનું આયોજન કરવામાં રસ દર્શાવ્યા બાદ અત્યારથી જ અમદાવાદમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. જેનું કામ પૂરજોશમાં ચાલુ છે અને ભારત 2036માં ઓલમ્પિકનું આયોજન કરશે. જે દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે.
યુરોપિયન યુનિયનને પણ હવે ભારત દેશ પર ભરોસો
મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે ગઇકાલે યુરોપિયન કમિશનના સભ્યો ભારતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં વિવિધ ક્ષેત્રે કામગીરી કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા ત્યારે એ વાત હવે સ્પષ્ટ છે કે ભારત હવે વૈશ્ર્વિક દેશો સાથે મળીને વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર થયું છે અને વિશ્ર્વના દેશોને પણ હવે ભારત દેશ પ્રત્યે એક અનોખો ભાવ અને ભરોસો જોવા મળી રહ્યો છે.
- અબતકના અહેવાલનું વાંચન કરી જવાબ આપ્યો
- ઉપલેટા નગરપાલિકા ચૂંટણી બાદ સભામાં બોલેલુ 100 ટકા પળાશે જ: કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા
પોરબંદર-લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે રાજકોટના પ્રવાસ દરમ્યાન સર્કિટ હાઉસખાતે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં રાજકોટથી પ્રસિધ્ધ થતુ અબતક સાંધ્ય દૈનિકનું વાચન કરી અભિભૂત થયા હતા ‘અબતક’માં પ્રસિધ્ધ થયેલ ‘લાખ મણનો સવાલ: મંત્રી ડો. માંડવિયાનું બોલેલુ પળાશે?’ અહેવાલનો તેમણે જવાબ આપ્યો હતો કે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ 27 જેટલી જંગી બેઠકો ઉપર વિજય અપાવતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોને બિરદાવવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે મે કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોને સંબોધતા જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાએ કોઈ કમાવાનું સાધન નથી પણ લોકોની સેવાનું માધ્યમ છે. ઉપલેટામાં મારૂ મધ્યસ કાર્યાલય છે. તેથી શહેરનો વિકાસ ઝડપી અને સારી રીતે થાય તેના માટે મારી ખાસ નજર રહેશે કોઈ નાનો કે મોટો કાર્યકર સેવા કરવા નિકળે ત્યારે તેને સેવાના ઉદેશ સાથે ચાલવું તેમણે જણાવ્યું હતુ કે લાખ મણનો સવાલ હું ચોકકસ પાળીશ અને એ રીતે જ મારી નજર નીચે કામગીરી કરવામા આવશે.
છેલ્લા 10 વર્ષમાં 17 કરોડ રોજગારીની તકો ઉભી થઇ
મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે 2004 થી 2014 સુધીમાં દેશમાં ફક્ત 3.70 કરોડ લોકોને જ રોજગારીની તકો મળી હતી. જે છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2014 થી 2024 દરમિયાન 17 કરોડ લોકોને રોજગારીની તકો ઉભી થઇ છે અને આ આંકડા તાજેતરમાં જ આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. દેશની અંદર જો રોજગારીનું નિર્માણ થશે તો જ વિકાસ થશે અને ભારતની ઇકોનોમી પણ વધશે. દેશમાં રોજગારીનું તકો વધે તે દિશામાં વડાપ્રધાન મોદીના નેજા હેઠળ કામગીરી થઇ રહી છે.
ઘેડ વિસ્તારની ચોમાસાના પાણીની મોટી સમસ્યાનો આજીવન અંત આવશે
કેન્દ્રીય કેબિનટ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે મે ગુજરાતના બજેટ ઉપર પણ નજર કરી છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન ખેતરોમાં 10 થી 15 કિલોમીટર સુધી ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. જેને લઇને બજેટમાં ખાસ રૂ.1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે 170 કરોડની જોગવાઇ તો થઇ ગઇ છે અને તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં નદીઓને ઉંડી ઉતારી પાણી ન ભરાય તે માટેનું આયોજન અત્યારથી જ થઇ રહ્યું છે. જેને લઇ હવે જુનાગઢ-ખેડ જેવા પંથકને ચોમાસાના પાણીની સમસ્યા હલ થઇ જશે.