- સેન્ટર ફોર બાયોલોજિક્સ ઇવેલ્યુએશન એન્ડ રિસર્ચ (CBER)ના નવા ડિરેક્ટર તરીકે વિનય પ્રસાદની નિમણૂક
- FDA અને યુએસ આરોગ્ય નીતિઓ સામેની તેમની આકરી ટિપ્પણીઓ માટે છે જાણીતા
ભારત દરેક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આ પ્રગતિના પડઘા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદશમાં પણ પડ્યા છે. એક તરફ યુએસમાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે તો બીજી તરફ ભારતીયો યુએસમાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન મેળવી રહ્યા છે. ભારતના જાણીતા અને વિવાદાસ્પદ ઓન્કોલોજિસ્ટ-હેમેટોલોજિસ્ટ ડૉ. વિનય પ્રસાદ હવે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના ટોચના રસી નિયમનકાર તરીકે સેવા આપશે. FDA કમિશનર માર્ટિન મકરીએ તેમની સેન્ટર ફોર બાયોલોજિક્સ ઇવેલ્યુએશન એન્ડ રિસર્ચ (CBER) ના નવા ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. આ વિભાગ રસીઓ, રક્ત ઉત્પાદનો અને કેટલીક આનુવંશિક દવાઓની સમીક્ષાનું નિરીક્ષણ કરે છે.
ઓન્કોલોજીના ક્ષેત્રમાં ડૉ. પ્રસાદનું વ્યાપક સંશોધન અને યોગદાન રહ્યું છે, પરંતુ તેઓ FDA અને યુએસ આરોગ્ય નીતિઓ સામેની તેમની આકરી ટિપ્પણીઓ માટે પણ જાણીતા છે. તેમની નિમણૂક અંગે ટિપ્પણી કરતાં કમિશનર મકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ડૉ. પ્રસાદ CBER પર આપણને જોઈતી વૈજ્ઞાનિક કઠોરતા, સ્વતંત્રતા અને પારદર્શિતા લાવે છે. તેથી આ એક મહત્વપૂર્ણ પગલું છે.”
તાજેતરના વર્ષોમાં, ડૉ. પ્રસાદ આરોગ્ય સચિવ કેનેડીની “મેક અમેરિકા હેલ્ધી અગેઇન” ચળવળ સાથે સંકળાયેલા પોડકાસ્ટ પર નિયમિત રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે.
મહામારી દરમિયાન ડૉ. પ્રસાદે સામાજિક અંતરના નિયમોમાં ખામીઓ શોધી કાઢી હતી અને બાળકો માટેની કોરોના રસી અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે ખોટી દવાઓ લેવા બદલ અને વ્હાઇટ હાઉસમાં ફેસમાસ્કનો ઉપયોગ ન કરવા બદલ પણ ટીકા કરી હતી. ડૉ. પ્રસાદ X, તેમના સબસ્ટેક “સેન્સિબલ મેડિસિન” અને પોડકાસ્ટ “ધ પ્લેનરી સેશન” જેવા માધ્યમો દ્વારા પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરતા રહે છે. તેઓ “મેલિગ્નન્ટ” અને “એન્ડિંગ મેડિકલ રિવર્સલ” જેવા પુસ્તકોના લેખક પણ છે.
કોણ છે વિનય પ્રસાદ
યુએસમાં ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં જન્મેલા ડૉ. પ્રસાદે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ 2009 માં શિકાગો યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી મેળવી હતી. તેમણે 2012 માં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં આંતરિક દવામાં રેસિડેન્સી પૂર્ણ કરી. 2015 થી 2020 સુધી તેઓ ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા અને હાલમાં સાન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલમાં કાર્યરત છે. ડૉ. પ્રસાદ હાલમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો (UCSF) ખાતે હિમેટોલોજી-ઓન્કોલોજીના પૂર્ણ પ્રોફેસર છે.
એક જાણીતા ટીકાકારને FDA ના મહત્વના પદ પર નિયુક્ત કરવાના નિર્ણયથી આરોગ્ય ક્ષેત્રે ચર્ચા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે ડૉ. પ્રસાદ તેમની નવી ભૂમિકામાં કેવી રીતે કાર્ય કરે છે.