ચોખા માટે ભારત પાસે હાથ લંબાવતું ડ્રેગન

અબ આયા ઊંટ પહાડ કે નીચે…

ત્રણ દાયકા બાદ ભારત પાસે ચોખાની ખરીદી કરવા મજબૂર બન્યુ ચાઈના

લાલ બહાદૂર શાસ્ત્રી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમણે ‘જય જવાન, જય કિસાન’નું સુત્ર આપ્યું હતું. તે સમયે પરિસ્થિતિ કંઈ એવી હતી કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકાર વાગી રહ્યાં હતા. તે સમય દરમિયાન જવાનોએ સીમા પર નિડર બની દુશ્મનોનો સામનો કરી દેશને સુરક્ષીત રાખવાનો હતો ત્યારે બીજીબાજુ ભારત પાસે પુરતો અન્નનો પુરવઠો નહીં હોવાના પગલે લાલ બહાદૂર શાસ્ત્રી એક ટક ચોખાનું સેવન ન કરવું તેવી અપીલ કરી હતી. સાથો સાથ આ પરિસ્થિતિમાંથી ફકત જગતનો તાત જ દેશને બહાર કાઢી શકે તેમ હોય લાલ બહાદૂર શાસ્ત્રીએ ‘જય જવાન, જય કિસાન’નું સુત્ર આપ્યું હતું. આજે આ સુત્ર બિલકુલ સાર્થક ઠર્યું છે.

એક સમયે જ્યારે ભારતમાં અન્નનો તેમજ ખાસ ચોખાનો જથ્થો ન હતો પરંતુ હાલ ચોખાનું બમ્પર ઉત્પાદન થયું છે. મોદી સરકારનું ખેડૂતોની આવક બમણી કરવાનું સમણું આજ સાર્થક થતાં દેખાઈ રહ્યું છે. ચોખાનું ઉત્પાદન દર વર્ષેની સાપેક્ષે આ વર્ષે લગભગ બમણુ થયું છે. જેનાથી દેશમાં તો સૌને જથ્થો મળી જ રહેશે પરંતુ મોટા જથ્થામાં નિકાસ પણ કરી શકાશે.

ભારત-ચાઈના વચ્ચે સરહદે તનાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બન્ને પક્ષે હિમાલયમાં પીછેહટ નહીં કરવાની જીદ કરવામાં આવી હતી. પરંતુ હવે ચાઈનાને ભારતની જરૂર પડી છે. આ વર્ષે ચાઈનામાં ચોખાની મોટી ઘટ વર્તાઈ રહી છે. એક સમયે ચાઈના ભારત પાસેથી જ ચોખાની ખરીદી કરતું હતું. પરંતુ ભારત-ચાઈનાના સંબંધમાં ખટાશ આવતા ચાઈનાએ થાઈલેન્ડ, વિયેટનામ, મ્યાનમાર અને પાકિસ્તાન પાસેથી ચોખાની ખરીદી શરૂ કરી હતી. હાલના તબક્કે પરિસ્થિતિ એવી નિર્માણાધીન છે કે, આ તમામ દેશો પાસે ચોખાની મર્યાદિત જથ્થો જ ઉપલબ્ધ છે ત્યારે વિશ્ર્વની સૌથી મોટી વસ્તી ધરાવનારો દેશ ચોખા માટે વલખા મારી રહ્યો છે. પરિસ્થિતિ સામે મજબૂર બનેલા ચાઈનાએ હવે નાછુટકે ભારત પાસે ચોખા માટે હાથ ફેલાવા મજબૂર બન્યું છે. ઉપરાંત ચાઈનાના ચોખા માટે ખરીદીના દેશો પૈકી તમામ દેશોની સરખામણીએ ભારત પ્રતિ ટન ૩૦ ડોલર ઓછા ભાવે ચોખાનો જથ્થો નિકાસ કરે છે.

ભારત સમગ્ર વિશ્ર્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જ્યારે ચાઈના સૌથી વધુ આયાત કરનારો દેશ છે. બેઈઝીંગ એકલા હાથે ચાર મીલીયન ટનની આયાત કરે છે. ભારત અને ચાઈના વચ્ચે જ્યારે તનાવની પરિસ્થિતિ બની ત્યારથી ચાઈનાએ ભારત પાસે ખરીદી કરવાનું બંધ કર્યું હતું. પરંતુ ત્રણ દાયકા બાદ ચાઈના ફરીવાર ભારતીય બજારમાંથી ચોખાની ખરીદી કરવા મજબૂર બન્યો છે. રાઈસ એકપોર્ટર એસોસીએશનના પ્રમુખ બી.વી.ક્રિષ્નારાવે આ અંગે કહ્યું હતું કે, ગત વર્ષમાં ભારતના ચોખાની ગુણવત્તાને ધ્યાને રાખી ચાઈના ફરીવાર ભારત પાસે ખરીદી કરવા મજબૂર બન્યું છે. ત્રણ દાયકા બાદ ચાઈના ભારત પાસે ખરીદી કરવા જઈ રહ્યું છે.