ડ્રેનેજ લાઈન ચોકઅપ થયાની ૪૩૯ અને મેઈન લાઈન ઓવરફલો થતા હોવાની ૪૨૮૨ ફરિયાદો: એક-એક સપ્તાહ સુધી ડ્રેનેજની ફરિયાદો ન ઉકેલાતા લોકોમાં ભારે રોષ

રાજકોટમાં છેલ્લા ૧૧ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં અબજો ‚પિયાના ખર્ચે ઉભું કરાયેલું ડ્રેનેજ નેટવર્ક ખોરવાઈ ગયું છે. વરસાદી પાણીના નિકાલ માટે લોકોએ ડ્રેનેજના મેઈન હોલના ઢાંકણા ખોલી નાખતા શહેરભરમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ છે. છેલ્લા ૨૫ દિવસમાં મહાપાલિકાના ચોપડે ડ્રેનેજને લગતી અધધ….૪૭૨૧ ફરિયાદો નોંધાય હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રેનેજની ફરિયાદનો નિકાલ એક-એક સપ્તાહ સુધી થતો ન હોય લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. દરમિયાન ડ્રેનેજની ફરિયાદો તાકીદે ઉકેલવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે ત્રણેય ઝોનના સિટી ઈજનેરોને તાકીદ કરી છે.

તેઓએ જણાવ્યું હતું કે, ગત ૧લી જુલાઈથી ૨૪ જુલાઈ સુધીના સમયગાળામાં મહાપાલિકાના હેલ્પ લાઈન નંબર પર ડ્રેનેજની લગતી ૪૭૨૧ ફરિયાદો નોંધાઈ છે. જેમાં લાઈન ચોકઅપ થઈ જવાની ૪૩૯ અને મેઈન લાઈન ઓવરફલો થતી હોવાની રેકોર્ડબ્રેક ૪૨૮૨ ફરિયાદો નોંધાઈ છે. ગત સપ્તાહે પડેલા અનરાધાર ૧૫ ઈંચ વરસાદમાં વરસાદી પાણીનો નિકાલ કરવા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રેનેજના મેઈન હોલ ખોલી નાખ્યા હતા. જેના કારણે કચરો ડ્રેનેજ લાઈનમાં જવાના કારણે શહેરના ૮૦ ટકાથી વધુ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ હતી. પાણી ઉતરતુ ન હોવાના કારણે આ લાઈનમાં મશીન કે માણસને ઉતારી કામ કરી શકાતું નથી. જેના કારણે ડ્રેનેજની ફરિયાદો સમયસર હલ થતી નથી. છેલ્લા ચારેક દિવસથી પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. વરસાદ બંધ થતાની સાથે ડ્રેનેજની ફરિયાદોનો તાત્કાલિક નિવેડો લાવવા ત્રણેય ઝોનના સિટી ઈજનેરોને તાકીદ કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વોટર વર્કસ અને ડ્રેનેજના પમ્પીંગ સ્ટેશનોના રિવ્યુ માટે આગામી દિવસોમાં અધિકારી સાથે બેઠક બોલાવવામાં આવશે. પમ્પીંગ સ્ટેશનોની મશીનરી ખુબ જુની છે. જે ક્ષમતા મુજબ કામ કરે છે કે કેમ ? તેનો રીવ્યુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૫મી જુલાઈના રોજ રાજકોટમાં પડેલા એક સામટા ૧૫ ઈંચ જેટલા વરસાદમાં શહેરભરમાં ડ્રેનેજ નેટવર્ક ખોરવાઈ ગયું હતું. ડ્રેનેજના પાણી લોકોના ઘરોમાં ઘુસવા લાગ્યા હતા. આટલું જ નહીં ડ્રેનેજના પાણી અમુક વિસ્તારોમાં ઘરના ખોખરામાં પણ ઘુસી જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. સપ્તાહ પૂર્વે નોંધાવાયેલી ડ્રેનેજની ફરિયાદો હજુ સુધી હલ થવા પામી નથી. ૨૫ દિવસમાં મહાપાલિકાના ચોપડે નોંધાયેલી ડ્રેનેજની ૪૭૨૧ પૈકી કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો તેનો આંકડો અધિકારીઓ કે પદાધિકારીઓ પાસે ઉપલબ્ધ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.