દેશના પ્રથમ નાગરિક એવા પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુ

પારિવારિક જીવન સંઘર્ષમય, પરંતુ રાજકીય જીવન ખૂબ જ પ્રગતિમય…

25 જુલાઈ 2022 ના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મૂર્મુ એ શપથ લીધા ત્યારે તેઓ ભારતીય મહિલા રાષ્ટ્રપતિ તરીકે દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. 20 જૂન 1958માં ઓરિસ્સાના મયુરભંજ માં જન્મેલા દ્રૌપદી મૂર્મુ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે. આ પહેલાના 14 રાષ્ટ્રપતિ 1947 પહેલા જન્મેલા છે. અત્યાર સુધીના રાષ્ટ્રપતિ માં દ્રોપદી મૂર્મુ સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ છે.

આદિવાસી સમુદાયમાંથી દેશના સર્વોચ્ચ સ્થાન પર કોઈ નેતા હજુ સુધી આવ્યું નથી. કે.આર.નારાયણન અને રામનાથ કોવિંદ આ બંને દલિત રાષ્ટ્રપતિ હતા.દ્રૌપદી મૂર્મુ એવા પ્રથમ આદિવાસી મહિલા છે કે જેઓએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને સ્થાન પ્રાપ્ત કર્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમાજસેવા પ્રત્યે એટલા બધા સમર્પિત હતા કે તે રાયરંગપુરના શ્રી અરબિંદો ઇન્ટીગ્રેલ એજ્યુકેશન સેન્ટર માં પગાર લીધા વિના ભણાવતા હતા. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા મૂર્મુજીએ અનેક મુશ્કેલીઓ નો સામનો કરીને પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું. તેમણે ડગલેને પગલે સંઘર્ષ કર્યો છે, સંઘર્ષ અને સમર્પણથી ઘડાઈને તેઓએ આજે સોનાનું સિંહાસન (રાષ્ટ્રપતિની સત્તા) પ્રાપ્ત કરેલ છે.

દ્રૌપદી મૂર્મુ એ 1979 માં ભુવનેશ્વરમાં સ્નાતકની ડિગ્રી મેળવીને 1979 થી 1983 સુધી તેમણે રાજ્યના સિંચાઈ અને ઊર્જા વિભાગમાં કારકુન તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1994 સુધી શિક્ષક રહ્યા અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. 1997 થી કાઉન્સિલર, ત્યારબાદ ધારાસભ્ય અને બે વખત રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા દ્રૌપદી મૂર્મુ ને 2007માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે “નીલકંઠ” એવોર્ડ મળ્યો હતો. 2015માં ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. ત્યાં તેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કરીને ઇતિહાસ રચી દીધો હતો. એટલું જ નહીં તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા નેતા હતા.

દ્રૌપદી મૂર્મુ ને રાજકારણ ગળથૂથી માંથી મળેલ છે. તેમના દાદા અને પિતા બિરાંચી નારાયણ પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં ગામના સરપંચ હતા. દ્રૌપદીજી એ શ્યામ ચરણ મૂર્મુ સાથે લગ્ન કર્યા હતા. તેના ફળ સ્વરૂપે બે પુત્રો અને એક પુત્રી હતા, પરંતુ અત્યારે બંને પુત્રો મૃત્યુ પામ્યા છે.

દ્રૌપદી મૂર્મુ નાં 25 વર્ષના પુત્ર લક્ષ્મણ મૂર્મુ નું 2009માં ભુવનેશ્વરના તેમના ઘરમાં જ બેભાન હાલત થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કર્યા હતા. દીકરાના મોતના સમાચાર સાંભળીને જનેતા ઉપર શું વીતી હશે? વિચારો તો ખરા !હજુ દીકરાના મોતનું દુ:ખ ઓસર્યું ન હતું ત્યાં જ 2013 માં માર્ગ અકસ્માતમાં તેમના બીજા દીકરા નું અવસાન થયું. આ દુ:ખમાંથી હજુ બહાર આવે તે પહેલા જ 2014માં તેમના પતિ શ્યામ ચરણ મૂર્મુ ને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થયું. આમ 2009 થી 2014 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં બે યુવાન પુત્ર અને પતિને ગુમાવ્યા બાદ દ્રોપદી મૂર્મુ સંપૂર્ણપણે ભાંગી ગયા હતા. હવે તેમના પરિવારમાં માત્ર એક પુત્રી ઇતિશ્રી મૂર્મુ છે, જે બેંકમાં નોકરી કરે છે અને જમાઈ હેમબ્રમ છે.

આમ દ્રોપદી મૂર્મુ નું પારિવારિક જીવન ખૂબ જ સંઘર્ષમય રહેવા છતાં રાજકીય જીવન ખૂબ પ્રગતિમય અને ગૌરવશાળી રહ્યું છે. એમણે પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દેશને પ્રગતિના પંથે આગળ વધારે એવી શુભેચ્છા.