56 જળાશયોમાં પીવા માટે પાણી અનામત: 39 ડેમમાંથી સિંચાઈ અર્થે પાણી છોડયું

વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાકને બચાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખેડૂતો પ્રત્યેની સંવેદના ખીલી ઉઠી

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ6 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર-ર0ર1 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ  જાદવે જણાવ્યું છે.

જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે.

સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં ર3 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે.  જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-3 અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે.  મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે.પોરબંદર જિલ્લાના સોરઠી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.જળસંપત્તિ સચિવે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37050 એકર વિસ્તારને બે પાણ આપવાનું આયોજન કરેલું છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવ્યેથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.

એટલું જ નહિ, મધ્ય ગુજરાતમાં કુલ 13 ડેમોમાંથી 5,18,700 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરેલ. આ આયોજન પૈકી કડાણા જળાશયમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં 6,000 ક્યુસેક્સ પાણી સિંચાઇ માટે આપવામાં આવી રહેલ છેઆ ઉપરાંત પાનમ, કરાડ,વઢવાણા, વાત્રક, મેશ્વો, હાથમતી, કરજણ, સુખી, દેવ, પાટાડુંગરી, એદલવાડા ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે તેની વિગતો તેમણે આપી હતી. દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4,69,300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે.

આમ, સમગ્રતયા ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.