Abtak Media Google News

જમ્મુમાં ભારતીય હવાઈ દળના મથક પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી વિસ્ફોટ કરવાના પાકિસ્તાની આતંકવાદીઓના પ્રયાસોને પગલે કિંમત ઈસ્લામાબાદને ચૂકવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પીઠ પાછળ ઘા કરવાની આ નવી સાજીસનો મુકાબલો કરવા માટે ભારતીય લશ્કરની ત્રણેય પાંખોને એકદમ સતર્ક અને સાવધ કરી દેવામાં આવી છે અને ફરી વખત પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈક સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

ડ્રોન હુમલાને પગલે પાકિસ્તાન પર નવી સર્જીકલ સ્ટ્રાઈકના વાદળો ઘુમરાવા લાગ્યા છે. આતંકવાદના નવા રૂપ અને હથિયાર તરીકે ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાની આતંકવાદી જુથોએ ભારતને જે પડકાર ફેંક્યો છે તે તેને ખુબજ ભારે પડી જવાનો છે. ડ્રોન હુમલાથી મોટુ નુકશાન કરવાની આતંકવાદી પેરવી સદંતર નિષ્ફળ ગઈ છે પરંતુ એ હકીકત સ્પષ્ટ બની છે કે, આતંકવાદી જુથો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને પાકિસ્તાનની સરકાર વિના શક્ય બની ન શકે. ભારતના લશ્કરી મથકો અને ઓઈલ રિફાઈનરી જેવા મહત્વના વાણીજ્ય વિસ્તારો પર ડ્રોનથી હુમલો કરવાની નાપાક સાજીસ ઘડવામાં આવી છે.

ડ્રોન મારફત બાયોલોજીકલ અને કેમીકલ શસ્ત્રોથી પણ હુમલો કરી શકાય છે. એ ખતરા સામે લડી લેવા માટે ભારતીય લશ્કરી દળો અને સુરક્ષા દળોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રોનને જામ કરી દેવાની સીસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. રડાર પર દેખાતા વિમાનની જેમ સેટેલાઈટ અથવા વિડીયો કમાન્ડ અને કંટ્રોલ દ્વારા ડ્રોનના હુમલાને પહેલેથી ખાળી શકાય તે માટે સીસ્ટમ ગોઠવવામાં આવી રહી છે.

ડીઆરડીઓ દ્વારા આવી એન્ટ્રી ડ્રોન સીસ્ટમ વિકસીત પણ કરી લેવામાં આવી છે. 10 કિલો વોટના લેસર મારફત કોઈપણ ડ્રોન હુમલાને 2 કિ.મી. દૂરથી નિષ્ફળ બનાવી શકાય તેમ છે. ટ્રી પોટ પર ગોઠવી લેસરથી બે કિલોમીટર સુધીની રેંજમાં આવી ગયેલા ડ્રોનને ટાર્ગેટ કરી શકાય છે. હવે આ સીસ્ટમનો મોટાપાયે ઉત્પાદન કરવાની જરૂર ઉભી થઈ છે.

ભારતીય દળોએ ઈઝરાયલની સ્મેસ 2000 પ્લસ સીસ્ટમની પણ તૈયારી કરી દીધી છે. આ સીસ્ટમ તોપ ઉપર અને રાયફલ ઉપર પણ ગોઠવી શકાય છે. જેનાથી ડ્રોનને દૂરથી ટાળી શકાય છે. પઠાણકોટ અને જમ્મુના હવાઈ મથકો પાકિસ્તાનમાં આવેલા આતંકી થાણાઓની નજીક હોવાથી અહીં એન્ટ્રી ડ્રોન સીસ્ટમ વહેલાસર ગોઠવવાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.