ડ્રોન નવી ક્રાંતિ લાવી દેશે!!!

આગામી સમયમાં કોઈ ક્ષેત્ર બાકી નહિ રહે જેમાં ડ્રોનનો ઉપયોગ નહિ હોય

ડ્રોન હવે નવી ક્રાંતિ લાવી દેશે. અનેક કામોમાં ડ્રોનનો ઉપયોગ થવા લાગશે. જેનાથી લોકોને શ્રમમાંથી મુક્તિ મળી જશે. બીજી તરફ અનેક કામ સરળ પણ બની જશે. હવે આવતા દિવસોમાં પક્ષીઓની જેમ ઠેક ઠેકાણે ડ્રોન પણ ઉડતા જોવા મળવાના છે.

અગાઉ ડ્રોન તાલીમના વ્યવસાય સાથે સંકળાયેલી ડ્રોન ડેસ્ટિનેશન કંપનીએ જાહેરાત કરી છે કે વર્ષ 2025 સુધીમાં દેશભરમાં ડ્રોન પાઇલોટ્સને તાલીમ આપવા માટે 150 શાળાઓની સ્થાપના કરવામાં આવશે.  કંપનીએ વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનની વધતી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.  જેમ જેમ ડ્રોનની ઉપયોગિતા વધશે તેમ તેમ ડ્રોન પાઇલોટ્સ અને તેમને તાલીમ આપતી સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થશે.  તેથી આગામી 3 વર્ષમાં દેશમાં આવી 150 સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.

ડ્રોન ડેસ્ટિનેશન હાલમાં દેશમાં છ રિમોટ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. આ કંપની ઇકોસિસ્ટમની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુનિવર્સિટીઓ, કૃષિ સંસ્થાઓ અને પોલીસ અકાદમીઓ સાથે ભાગીદારી કરવાની છે. હાલ ડ્રોન ડેસ્ટિનેશન ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદાન અકાદમીના સહયોગથી ગુરુગ્રામ, બેંગ્લોર, ગ્વાલિયર અને ધર્મશાળામાં ચાર તાલીમ કેન્દ્રો ચલાવી રહ્યું છે.  સંસ્કાર ધામ ગ્લોબલ મિશનના સહયોગથી એક પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ચંદીગઢ યુનિવર્સિટીમાં ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ ખોલવામાં આવી છે.  પંજાબની આ પહેલી ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ છે.  આ ઉપરાંત, કંપની કોઈમ્બતુરમાં હિન્દુસ્તાન કોલેજ ઑફ એન્જિનિયરિંગ અને મદુરાઈમાં વૈગાઈ કોલેજ ઑફ એન્જિનિયરિંગની મદદથી તેના નેટવર્કમાં વધુ બે શાળાઓ ઉમેરી રહી છે.

ડ્રોન ડેસ્ટિનેશન કંપનીએ છેલ્લા મહિનામાં લગભગ 500 પાયલટોને ડ્રોન ચલાવવાની તાલીમ આપી છે.  આગામી સમયમાં, ગુરુગ્રામ કેન્દ્રમાંથી આશરે 1,500-2,000 પાઇલટ્સ અને અન્ય સ્થળોએથી 500 પાઇલટ્સને તાલીમ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.