મેનેજમેન્ટ બની ગયેલી ગુજરાતની ખેતીમાં ક્રાંતિ લાવશે ડ્રોન!!!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્ર્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાનો  છંટકાવ કરાવ્યો

ગુજરાતમાં હવે ખેતી મેનેજમેન્ટ બની રહી છે. ખેતી ધરાવતા ગુજરાતીઓ હવે જાતે ખેતી કરતા નથી. તેઓ મેનેજમેન્ટ થકી મજૂરો પાસે ખેતી કરાવે છે. હવે ખેતી એક ઇન્ડસ્ટ્રી તરીકે આકાર લઈ રહી છે. માટે તેનો ટેકનોલોજી સાથે સમન્વય કરાવવો જરૂરી બની રહ્યો છે. આવા સમયે ડ્રોન એ ખેતીમાં ક્રાંતિ સર્જવા સજ્જ થઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાનો  છંટકાવ કરાવ્યો છે.

સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન. એવી ઓળખ આપીને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં હવે કોઈએ દેશ માટે મરી ફીટવાની જરૂર નથી હવે સૌએ દેશનું ગૌરવ વધે એ રીતે જીવન જીવવાની જરૂર છે. પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે.

નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે અને એમાં ગુજરાત ’ગ્રોથ એન્જિન’ બન્યું છે, એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું.

કોરોનાકાળમાં મોટા મોટા દેશોએ પણ પોતાની પ્રજાને પોતપોતાના હાલ પર છોડી દીધી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ-સૌના વિકાસ-સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી ભારતને સાંગોપાંગ ઉગાર્યું છે. એટલું જ નહીં, સૌને વિનામૂલ્યે વેક્સિન આપીને ઐતિહાસિક કામ કર્યું છે. ધંધા-રોજગારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે રાસન આપ્યું છે. આવા કપરાકાળમાં પણ કોઈ મુશ્કેલીમાં ન મુકાય એવા પ્રયત્નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે.

દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.

ઇફકોના ચેરમેન દિલીપભાઇ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની સમૃઘ્ઘિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ઘપી રહ્યા છે.

સહકારથી સમૃઘ્ઘિ ના સૂત્રને સાર્થક કરવા ઇફકોએ નેમ લીઘી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સંસ્થા એવી ઇફકોએ 20 ટકા ડિવિડન્ટ આપ્યું છે. તે ઉપરાંત ગુજકોમાસોલ જેવી અનેક ખેડૂતોની સંસ્થાઓ ખેડૂતોને સારામાં સારું ડિવિટન્ડ આપી રહી છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે. કૃષિક્ષેત્રે નવી ક્રાંતિની દિશામાં ખેડૂતોએ આ ટેકનોલોજી થકી ડગ માંડયા છે.

વિદેશી હૂંડિયામણ બચાવવામાં નેનો યુરિયાનો મોટો ફાળો

નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાને ઘરતી અને વાયુના રક્ષણ  તથા  સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો. ઇફકોના સંશોઘકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે. નેનો યુરિયાને વેચાણ માટે મુકતાં પહેલા સરકાર દ્વારા  અનેક પરિક્ષણો કરવામાં આવ્યા છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, નેનો યુરિયાના સંશોઘન અને ફાયદાઓ અંગે દેશના પ્રગતિશીલ ખેડૂતો સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ દેશના વિવિઘ પ્રાંત, સ્થળો ખાતે 11 હજાર જેટલા પરિક્ષણો સરકારની નિશ્રામાં કરવામાં આવ્યા હતા.

નેનો યુરિયા અંગે દેશના પ્રાંત અનુસારની છ સિઝન અને 94 પાકો પર પ્રયોગ કર્યા બાદ તેના સફળ પરિણામોના આઘારે નેનો યુરિયાને માન્યતા આપવામાં આવી છે.ખેડૂતો પોતાની જમીનમાં ઘાન્ય ઉગાડીને દેશની સેવા કરે છે, તેવું કહી તેમણે કહ્યું હતું કે, યુરિયા ખાતરની આયાત કરવી પડે છે. આ માટે કેન્દ્ર સરકારે વિદેશી હુડિયામણ ચુકવવું પડે છે. દેશના ખેડૂતોને યુરિયાની એક થેલી રુ. 268/- માં આપવા માટે કેન્દ્ર સરકારે રૂ. 3700/- ની સબસીડી આપે છે. જેની સામે નેનો યુરિયાની 500 મી.લિ. ની બોટલ રુ. 240/- મળે છે. જેથી સરકારને સબસીડીની બચત થાય છે. વિદેશમાં જતું હુડિયામણ બચી જાય છે અને ખેડૂતોને પણ ફાયદો થાય છે.  આ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે. આ રાષ્ટ્રસેવામાં ગુજરાત સરકારે યોગદાન આપવા માટે બજેટમાં રૂ. 35 કરોડની ફાળવણી કરી છે. અને ખેડૂતોની પડખે ઉભી રહી છે.

દરેક ગામોમાં ડ્રોન પહોંચે તેવા સરકારના પ્રયાસ

સરકારે ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટા પરિવર્તનની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારને આશા છે કે આનાથી ખેડૂતોને સુવિધા મળશે. ખેતીનો ખર્ચ ઘટશે અને આવક વધશે. આ વિસ્તાર એક મોટા માર્કેટ તરીકે પણ ઉભરી રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં લગભગ એક કૃષિ ડ્રોન દરેક ગામ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. આ દરમિયાન, કેન્દ્રએ વ્યક્તિગત રીતે ડ્રોનની ખરીદી માટે નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

ડ્રોનથી પાણીની પણ બચત થશે

જો પરંપરાગત રીતે એક એકર ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો 150 થી 200 લિટર પાણીની જરૂર પડે છે.  જો આ જ છંટકાવ ડ્રોન વડે કરવામાં આવે તો તે માત્ર 10 લીટર પાણીમાં થાય છે.  નોંધનીય છે કે જમીનના અડધાથી વધુ પાણીનો ખેતીમાં ઉપયોગ થાય છે.  જો આ રીતે પાણીની બચત થશે તો પર્યાવરણ માટે પણ સારું રહેશે.

ખેતીને આધુનિક બનાવવામાં ડ્રોનનો ફાળો મહત્વનો રહેશે’

સરકાર પાક મૂલ્યાંકન, જમીનના રેકોર્ડના ડિજિટલાઈઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવ કરવા માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે,  દેશના કૃષિ ક્ષેત્રનું આધુનિકીકરણ વડાપ્રધાન મોદીના એજન્ડામાં છે. જેથી ખેડૂતોને નવી ટેકનોલોજીનો લાભ મળે. બાગાયતી પાકો પર છંટકાવમાં ડ્રોનનો ઘણો ઉપયોગ થઈ શકે છે. કૃષિ ક્ષેત્રે ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદીમાં વિવિધ વિભાગોને છૂટ આપવામાં આવી છે. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કૃષિ કાર્યોમાં ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવી છે.

તીડના આક્રમણ વખતે ખેતીને બચાવવા ડ્રોન કારગત નીવડ્યા હતા

ડ્રોનની નવી ટેક્નોલોજી વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. જે ખેડૂતોને સુવિધા આપશે, ખર્ચમાં ઘટાડો કરશે અને તેમની આવકમાં વધારો કરશે. તીડના હુમલા દરમિયાન, સરકારે બચાવ માટે તાત્કાલિક ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. આ વખતે ડ્રોનનો ઉપયોગ કારગત નીવડ્યો હતો.