ડ્રગ્સ આતંકવાદ કરતા પણ ખતરનાક, યુવા પેઢીને કરે છે ખોખલું: મનિન્દરજીતસિંઘ બિટ્ટા

ડ્રગ્સ પેડલર અને ગેંગસ્ટરની મદદથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ અને આતંકીઓ દેશના યુવાધનને કરવા માગે છે બરબાદ

પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને ઓલ ઈન્ડિયા એન્ટિ ટેરરિઝમ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીતસિંઘ બિટ્ટા ગઈકાલે રાજકોટ ખાતેની મુલાકાતે આવ્યા હતા ત્યારે જણાવ્યું હતું કે,હાલના સમયમાં આતંકવાદ કરતા પણ વધુ ખતરનાક નાર્કો ટેરરિઝમ છે તે દેશની યુવા પેઢીને પાયમાલ કરી રહ્યો છે જો આની સામે જાગૃતિ નહીં આવે અને કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં દુશ્મન દેશમા ઘૂસ્યા વગર આપણી યુવા પેઢીને બરબાદ કરી નાખશે. ઓલ ઈન્ડિયા એન્ટિ ટેરરિઝમ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીતસિંઘ બિટ્ટાએ પત્રકારો સાથેની વાતચીતમાં દેશમાં વર્તમાન પરિસ્થિતિ અંગે અને ખાસ કરીને આતંકવાદીઓની બદલાયેલી પેટર્ન અંગે જણાવ્યું હતું કે, પંજાબમાં મુસેવાલા હત્યા કેસ બાદ એક ગંભીર બાબત સામે આવી છે.

હાલના સમયમાં ડ્રગ્સ પેડલર, ગેંગસ્ટર અને આતંકીઓ એક બની ચુકયા છે અને આ માયાજાળ માત્ર ભારતમાં જ નહીં કેનેડા, જર્મની, અમેરિકા સહિતના દેશોમાં ફેલાયેલી છે અને ભારતમાં હવે આ માયાજાળ વધતી જણાય રહી છે ત્યારે આ બાબતે અત્યારથી જ કડક પગલા લેવા જરૂરી છે. હાલના સમયમાં યુવાનોને ડ્રગ્સ સહિતના નશાના રવાડે ચડાવી આપણા દેશની યુવા પેઢીને પાયમાલ કરી દેવાનું દેશના દુશ્મનો દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્રને નાકામ બનાવવા ગંભીર પગલાઓ જરૂરી બની જવા પામ્યા છે. હાલમાં ત્રણ પ્રકારના ટેરરિઝમ છે જેમાં મુળભુત ટેરરિઝમ, ગેંગસ્ટર ટેરરિઝમ અને નાર્કો ટેરરિઝમ જેમાં નાર્કો ટેરરિઝમ સૌથી વધુ ખતરનાક છે.

મનિન્દરજીતસિંઘે કાશ્મીરની બદલાયેલી પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અગાઉ કાશ્મીરમાં રોજ સંખ્યાબંધ જવાનોના શહિદ થવાના સમાચારો આવતા.તિરંગાનું રોજ અપમાન થતું પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે હિંમત અને સાહસિકતાભર્યો નિર્ણય લઈ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાનું જે ઐતિહાસિક પગલું ભર્યું છે તેના પરિણામ સ્વરૂપ આજે કાશ્મીરમાં પણ ઘર-ઘર તિરંગાનું સ્વપ્ન સાકાર થયું છે. સાથોસાથ તેમણે કાશ્મીરની સાંપ્રત સ્થિતિમાં ડ્રોન હુમલાને લઈ ચિંતા પણ વ્યકત કરી હતી અને આ બાબતે કડક એકશન લેવામાં આવે અને આ ડ્રોન હુમલા થતા અટકાવાય તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 14 જેટલા હુમલાઓમાં જેમાં બોમ્બથી કાર ઉડાવી દેવા સહિતના હુમલાઓમાં પણ બચી ગયેલા અને આજે પણ એજ જુસ્સા સાથે આતંકવાદીઓ સામે બાથ ભીડવા તૈયાર એવા મનિન્દરજીતસિંઘ બીટ્ટાને ઝિંદા શહિદનું ઉપનામ મળ્યું છે તેવો આવા આક્રમણોનો સામનો કરીને પણ હજુ સમાજ અને રાષ્ટ્ર માટે ફરીથી પોતાનો જીવ જોખમમાં મુકવાની ઈચ્છાશકિત પર આજે પણ અડગ છે.

  • મોદી અને શાહ ગુજરાતનું જ નહિ પણ સમગ્ર દેશનું ગૌરવ
  • કોઈ પણ ખુન ખરાબા કે જાનહાની વિના કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરી દેશવાસીઓનુ સપનું પૂરૂ કર્યું

ગુજરાતની સીમાઓ સુરક્ષિત પરંતુ જાગૃતિ જરૂરી રાજકોટનાં મહેમાન બનેલા એઆઈએએફટીના સ્થાપક ચેરમેન તથા ‘ઝિંદા શહિદના’ ઉપનામથી ઓળખાતા મનિન્દરજીતસિંઘ બિટ્ટાએ કહ્યું હતું કે, કાશ્મીરમાંથી 370 મી કલમ કોઈ પણ ખૂન ખરાબા વગર નાબુદ કરી દેવામાં વર્તમાન કેન્દ્ર સરકાર સફળ થઈ છે તેનો શ્રેય ગુજરાતના બે સપૂતોને જાય છે. 370 હટશે તો કાશ્મીર આઝાદ થઈ જશે તેવા નેતાઓ કઈ જ નથી કરી શકયા. જમ્મુ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાનની પણ શાનદાર ઉજવણી કરી હતી જેથી કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરી મોદી અને શાહ સમગ્ર દેશનુ સપનું પૂરૂ કર્યું હતું.

  • મનિન્દરજીતસિંઘ બીટ્ટાએ પવિત્ર શત્રુંજય તિર્થ ખાતે શીશ ઝુકાવ્યું

એન્ટી ટેરરીસ્ટ ફ્રન્ટના ચેરમેન, પંજાબના પુર્વ કેબીનેટ મંત્રી તેમજ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ભાવના જેની રગે રગ માં છે જેની ઉપર 14 આતંકવાદી હુમલા ઓ થયા છે અને બંને પગ તેનાથી ગુમાવ્યા છે, જેમને કેન્દ્ર સરકાર દ્વારા ઝેડ પ્લસ સીક્યુરીટી આપવા માં આવેલ છે તેવા મનીન્દરજીતસિંહ બીટ્ટાજીઅને જસ્ટ ઇન ટાઇમના રાજુભાઇ છેડા, ગીરીશભાઇ છેડા, સુનીલ જૈન, રાજીવ ગાલા, પ્રિયા ગુપ્તા, સુજીત ઉદાણી જેવા અનેક મહાનુ ભાવો સાથે ત્રણ દિવસ ની સારંગપુર, અયોધ્યાપુરમ, પાલીતાણા, સોનગઢ જેવા પવિત્ર ધાર્મિક સ્થાનકો માં યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થયો.

બીટ્ટાજી એકદમ સરલ લાગણીશીલ સ્વભાવ ના તેમનો રાષ્ટ્ર પ્રત્યે નો પ્રેમ જોમ જુસ્સાનો અનુભવ ત્રણ દિવસ માં થઇ ગયો. બે પગ ન હોવા છતા પવિત્ર શત્રુંજય તિર્થના 600થી પણ વધારે પગથીયા ચડી ને તેમની જૈન ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની અનુભુતિ થઇ તમને ખરા દિલ થી હુ સલામ કરૂ છુ. સંઘપતિ રાજુભાઇ છેડા 150 થી પણ વધારે જૈનેતરોને યાત્રા કરાવવા માં નિમીત્ત બન્યા તે માટે તેમની પણ ખુબ ખુબ અનુમોદના. આ યાત્રા મારા જીવનનું એક યાદગાર સંભારણુ બની ગયુ.