ડ્રગ્સકાંડ : જામનગરમાંથી 10 કરોડનું હેરોઇન પકડાયું

ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સનો બે કિલોનો જથ્થો ખાડો ખોદીને છુપાવી રાખ્યુ હોવાની કબૂલાત આપતા લોકલ પોલીસ અને એટીએએ મુદ્દામાલ જપ્ત કરવાની કરી સંયુક્ત કાર્યવાહી

સલાયાના કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડ પછી એક પછી એક જગ્યાએથી ડ્રગ્સ મળી રહ્યું છે. જેમાં આજે જામનગરમાંથી વધુ 10 કરોડનું હેરોઈન પકડી પાડવામાં આવ્યું છે. લોકલ પોલીસ અને એટીએસે સંયુકત કાર્યવાહી હાથ ધરીને બે કિલો હેરોઈન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સલાયા સહીતના સ્થળોએથી પકડાયેલા 144 કિલો ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે તે દરમ્યાન તેઓ દ્વારા જામનગર નજીક ખાડો ખોદીને 10 કરોડનું બે કિલો હેરોઈન સંતાડવામાં આવ્યુ હોવાની કબુલાત આપી હતી. તેના આધારે એટીએસ અને પોલીસનો કાફલો તે સ્થળે ઘસી ગયો હતો.આરોપીએ દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરવામાં આવતા હેરોઈનના પેકેટ મળી આવ્યા હતા જેનુ વજન 2 કિલો થવા જાય છે અને કિંમત 10 કરોડ થાય છે તેવું જાણવા મળ્યું છે.

આ સાથે સલાયા ડ્રગ્સ કાંડમાં અત્યાર સુધીમાં 730 કરોડનું 146 કિલો ડ્રગ્સ પકડાઈ ચુકયુ છે.ડ્રગ્સ માફીયાઓએ વધુ જથ્થો કયાંય સંતાડયો છે કે કેમ તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ એટીએસ ટિમ બીજી તરફ પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસનો દૌર લંબાવી દિલ્હી ખાતેથી અગાઉ એક નાઇજિરિયન શખ્સ અને સલાયાના યુવાનને દબોચી લીધા બાદ હેરોઇન પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાજી દાઉદ સંધાર, મહેબુબ હાજી સંધાર, જામનગરના રહીમ ઉર્ફે હાજી અકબર નોડે તથા મૂળ નાઇજીરીયા અને ન્યુ દિલ્હીમાં રહેતા માઇકલ યુગોચુકો ક્રિશ્ચીયનને ઝડપી લીધા છે.

વધુમાં નાઇજિરિયન શખ્સ માઇકલે દિલ્હીથી આંગડિયામાં 30 લાખ રૂપિયા હેરોઇનની ડિલીવરી માટે ઇશા રાવને મોકલ્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે. આ ચકચારી પ્રકરણમાં એટીએસ ટીમે મોરબી કોર્ટમાંથી આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.