Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની સામાન્ય/પેટા ચૂંટણી આગામી તા. 19/12/2021 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી-ગાંધીનગર દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ માટે સરકારી, અર્ધસરકારી પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મૂકતી સૂચનાઓ આપવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલકુમાર ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ એક હુકમમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 24-12-2021 સુધી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ યોજવા 52, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કિંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે, રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે, સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી-નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.