વીર શહીદોના સમર્પણને લીધે આપણે ગુલામીથી મુક્ત થયા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શહેરમાં આન,બાન અને સાનથી તિરંગો લહેરાયો

રાજકોટમાં ૭૨માં  પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની શાનદાર ઉજવણીમાં તિરંગો લહેરાવતા શિક્ષણ મંત્રી: ધ્વજવંદન-રાષ્ટ્રગાન  બાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ધ્વજવંદન રાષ્ટ્રગાન બાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેડનું નિરિક્ષણ કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કર્યુ હતું.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયુ હતું કે દેશને મહામુલી આઝાદી આપનાર ગાંધીજી, સરદાર પટેલ,સુભાષચંદ્ર બોઝ, શ્યામજીકૃષ્ણવર્મા, ભગતસિંહ સહિતના અગણિત ક્રાંતિવિરો, શહિદો અને સત્યાગ્રહીઓના ત્યાગ અને સમર્પણને કારણે આપણને ગુલામીમાંથી મુકત બની શકયા છીએ. વિવિધ સત્યાગ્રહોના કારણે લોકોમાં આઝાદી માટેની જનજાગૃતિ આવી હતી.

મંત્રી ચુડાસમાએ કહયું હતું કે, આપણને આઝાદ-સ્વાતંત્ર્ય ભારતમાં જીવવાનો મોકો મળ્યો છે ત્યારે આપણી વ્યકિતગત અને જાહેર જીવનની ફરજ આપણે પ્રમાણિકતાથી બજાવવી જોઇએ. વ્યકિતગત સ્વાર્થને ત્યજીને દેશભકિતને જ શ્રેષ્ઠ માનવી જોઇએ. આપણા નિર્ણયોમાં વિશ્વસનીયતા  અને નિષ્ઠા લાવવા હિમાયત કરતા કહયું કે, આપણે સૌ સાથે મળી અસ્પૃશ્યતા  અસમાનતા  કુપોષણ  જાતિય અસમાનતાને દૂર કરીએ. વિજળી  પાણી  પર્યાવરણને બચાવવામાં સહભાગી બનવાનો મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો.

આ તકે, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડી.આઇ.જી સંદિપસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણ મીના, અને મનોહરસિંહ જાડેજા પ્રાદેશિક નગરપાલિકાનાકમિશ્નર સુશ્રીસ્તૃતિ ચારણ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, અગ્રણી યશવંતભાઇ જનાણી, જીતુભાઇ ધોળકિયા સહિતના લોકો, વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.