જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર માનવતાને શર્મસાર કરતો હુમલો કર્યો છે. નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ઘાતકી હુમલાએ સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે. પહેલગામના રમણીય પહાડો લોહીથી ખરડાયા અને અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા. આ ભયાવહ ઘટનામાં ત્રણ ગુજરાતીઓ સહિત ૨૬ જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જોકે, આ ભયાવહ ઘટનામાં પણ કેટલાક લોકોનો આબાદ બચાવ થયો. આવી જ એક હૃદયસ્પર્શી અને ચમત્કારિક ઘટના અમરેલીના એક પરિવાર સાથે બની છે, જેમનો જીવ તેમની પાંચ વર્ષની માસૂમ દીકરીની સમજદારી કે હઠને કારણે બચી ગયો.
પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત ૨૬ નિર્દોષ નાગરિકો શહીદ થયા અને અનેક ઘાયલ થયા. આ ભયાવહ સ્થિતિ વચ્ચે, અમરેલીના સાવરકુંડલાનો એક પરિવાર આબાદ બચી ગયો છે. તેમની પાંચ વર્ષની પુત્રી મેશ્વાની એક નાનકડી જીદે આખા પરિવારનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક તેમની પત્ની ક્રિષ્નાબેન (પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે કાર્યરત) અને પાંચ વર્ષીય પુત્રી મેશ્વા સાથે ૧૭થી ૨૪ તારીખની કાશ્મીર ટૂર પર હતા. તેમને ૨૨ તારીખે બપોરે લગભગ સાડાબાર વાગ્યે પહેલગામના બૈસરન વિસ્તારમાં ઘોડા પર ફરવા જવાનો કાર્યક્રમ હતો.
જોકે, છેલ્લા ચાર દિવસથી સતત ઘોડા પર ફરવાને કારણે પાંચ વર્ષની મેશ્વાએ તે દિવસે ઘોડા પર બેસવાની સ્પષ્ટ ના પાડી દીધી. બાળકીની હઠને કારણે પરિવારે બૈસરન જવાને બદલે નજીકમાં જ ભોજન લેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય તેમના માટે જીવનરક્ષક સાબિત થયો.
પરિવાર જમીને બહાર નીકળ્યો ત્યારે જ બૈસરન વિસ્તારમાં ફાયરિંગ થયાના સમાચાર મળ્યા. થોડી જ વારમાં આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ ગઈ. ભયનો માહોલ સર્જાયો. આ દરમિયાન, જે ઘોડાવાળા સાથે તેમનો બૈસરન જવાનો કાર્યક્રમ નક્કી હતો, તે દોડતો તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે, “સાહેબ, તમે ત્યાં જવાનું કહ્યું હતું, પણ તમારી દીકરીએ ના પાડી અને તમે ન ગયા, એટલે જ તમારો જીવ બચી ગયો!” આ કહીને તેણે માસૂમ મેશ્વાને સાક્ષાત્ ભગવાન માનીને તેના પગે લાગી આશીર્વાદ લીધા.
નાયબ મામલતદાર સંદીપ પાઠકે આ ઘટના અંગે જણાવ્યું કે, “મારી બેબીએ ઘોડા પર જવાની ના પાડી એટલે અમે જમી પરવારીને મહાદેવનાં દર્શન કરીને બેઠા હતા ત્યારે જ આ ઘટનાની જાણ થઈ. ઘોડાવાળાએ આવીને કહ્યું કે સાહેબ, તમારી ઢીંગલીના કારણે આપણે ન ગયા અને જીવ બચી ગયો.”
હાલ સંદીપ પાઠક, તેમની પત્ની અને પુત્રી મેશ્વા સુરક્ષિત અમરેલી પહોંચી ગયા છે. આ ભયાવહ પરિસ્થિતિમાંથી બચી જવા બદલ આખો પરિવાર ઈશ્વરનો આભાર માની રહ્યો છે. માસૂમ બાળકીની એક નાનકડી નાએ કેવી રીતે એક આખા પરિવારને મોતને મુખમાંથી ઉગારી લીધો, તે આ ઘટનાનો સૌથી ચમત્કારિક અને હૃદયસ્પર્શી પાસું છે. પહેલગામ હુમલાની ભયાવહતા વચ્ચે અમરેલી પરિવારનો આબાદ બચાવ સૌ કોઈ માટે આસ્થા અને ચમત્કારનું પ્રતિક બન્યો છે.
અહેવાલ: પ્રદીપ ઠાકર