ડુપ્લીકેટ માર્કશીટનું ચકચારી કૌભાંડ: ફાર્મસીનો છાત્ર જામીન મૂકત

અબતક,રાજકોટ

રાજકોટમાં બોગસ માર્કશીટ સર્ટિફિકેટના આધારે આર.કે. યુનિવર્સિટીની ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી બે વર્ષના અભ્યાસ બાદ ઝડપાયેલા વિદ્યાર્થી વાસુ વિજયભાઈ પટોળીયાની જામીન અરજી સેશન્સ અદાલતે મંજૂર કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ  બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે હાઈસ્કૂલ, કોલેજમાં પ્રવેશના કૌભાંડની મળેલ બાતમીના આધારે ગઇ તા. ૨૭/ ૦૫/ ૨૦૨૧ના રોજ કોરોના મહામારીમાં ટ્યુશન ક્લાસ બંધ થવાને કારણે બેકાર બનેલા ધોળકિયા સ્કૂલના પૂર્વ ફિઝિકસ શિક્ષક ભાવિક પ્રકાશભાઈ ખત્રી (રહેવાસી સાધુવાસવાણી રોડ, રાજકોટ)ના ઘેર રેડ કરતા તેના ઘરમાંથી ઉત્તરપ્રદેશ યુનિવર્સિટી તથા મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીની ડુપ્લિકેટ માર્કશીટ  અને સર્ટિફિકેટસ મળી આવ્યા હતા. તેમાં ભાવિક ખત્રી અને તેના મળતિયાઓ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ માર્કશીટ તથા સર્ટિફિકેટો આપી રહ્યા હોવાનું ખુલ્યું હતું, પોલીસે ભાવિક ખત્રીની ધરપકડ કરી તેની સાથે સંકળાયેલ આરોપીઓ રામસીંગ, હરેકૃષ્ણ ચાવડા, દીલીપ રામાણી, પ્રીતેશ ભેંસદડીયા, વાસુ પટોડીયા, સુરેશ પાનસુરીયા, પ્રફુલ ચોવટીયા, સુરેશ વસોયા વિરૂધ્ધ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ પૈકી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે આર કે  યુનિવર્સિટીની ફાર્મસી વિદ્યાશાખામાં બે વર્ષ સુધી અભ્યાસ કરી લેનાર વિદ્યાર્થી આરોપી વાસુ વિજયભાઈ પટોળીયાએ જેલમાંથી જામીન પર છુટવા રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફતે કરેલી જામીન અરજીમાં રજુઆત કરેલ કે અરજદાર સામે ફોર્જરીનો આરોપ નથી, અરજદાર વિદ્યાર્થી છે, ટીન એઈજર છે, જેને હાર્ડકોર ક્રિમીનલ સાથે રાખવાથી તેના કુમળા માનસ પર વિપરીત અસર થશે. તપાસ પૂર્ણ થઈ ગયેલ છે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ છે વધુ કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા નથી વગેરે કારણો આગળ ધરી સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓને આધારે જામીનપર મુકત કરવા રજુઆત કરી હતી.બંને પક્ષોની રજૂઆતો બાદ અદાલતે વાસુ પટોળીયાને જામીનપર મુકત ક૨તો હુકમ ફ૨માવેલ છે. ઉપરોકત કામમાં આરોપી વિદ્યાર્થી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયા હતા.